દાહોદ નગરપાલિકામાં હાલ સત્તાની સાઠમારી ચરમ સીમાએ છે તેવા સમયે કેટલીક ગુજરાતી ન્યુઝ ચેનલ ઉપર ગઈકાલે દાહોદ નગરપાલિકાના પક્ષના નેતાનો દારૂ પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાના સમાચાર પ્રસારિત કરાતા અને આ વાત વાયુવેગે શહેરભરમાં પ્રસરી જતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ નગરપાલિકાના પક્ષના નેતા દિપેશભાઈ લાલપુરવાલાનો દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયાના ગઈકાલે કેટલીક ગુજરાતી ન્યુઝ ચેનલો પર સમાચાર પ્રસારિત કરાતા દાહોદ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને રાજકીય ફલક પર ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અને આ મામલે લોકો જાહેરમાં પોત પોતાનો મત વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. વાયરલ થયેલા વીડિયોના આ સમાચારથી કેટલાકે પક્ષની તેમજ દીપેશભાઈ લાલપુર વાળાની છબી ખરડાઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે કેટલાકે વીડિયોની ખરાઈ કર્યા વિના જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે કેટલા કે આ વિડીયો વાયરલને મૌલિક અધિકારનુ હનન ગણાવ્યું હતું. જ્યારે કેટલાકે આ વિડીયો વાયરલ કરવા પાછળ રાજકીય કિન્નાખોરી જવાબદાર હોવાનો મત પ્રકટ કર્યો હતો. ત્યારે અમારા પ્રતિનિધિએ જેઓનો વિડીયો વાયરલ થયો હતો. તેવા દાહોદ નગરપાલિકાના પક્ષના નેતા દીપેશભાઈ લાલપુરવાલાનો રૂબરૂ સંપર્ક કરી વાયરલ થયેલા કથિત વિડીયો અંગે તેઓનો મત જાણવા માટે પૃચ્છા કરતા દીપેશભાઈ લાલપુર જણાવ્યું હતું. કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો સાચો છે. પરંતુ આ વિડીયો દોઢથી બે વર્ષ જૂનો છે અને તે પણ પાછો ગુજરાત બહારનો છે. આ વિડીયો હું મારા મિત્રો સાથે ઉદેપુર બાજુ ફરવા ગયો હતો તે વખતનો છે. રાજસ્થાનના ઉદયપુરમાં જઈ દારૂ પીવો તે કોઈ ગુનો નથી. અને મને મારી રીતે જિંદગી જીવવાનો પૂરેપૂરો મૌલિક અધિકાર છે. અને આ વિડીયો વાયરલ કરવા પાછળ રાજકીય કિન્નાખોરી કારણભૂત હોવાનું અને મારી રાજકીય કારકિર્દી કલંકિત કરી ખતમ કરવાનું એક ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું. અને આ ષડયંત્રમાં જેટલી ગુજરાતી ન્યુઝ ચેનલ વાળાઓ ષડયંત્રકારીયોને મદદરૂપ થયા છે તે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તમામ તૈયારીઓ કરી લીધી હોવાનું જણાવી બે ત્રણ દિવસમાં જ મોટો ધડાકો કરવાનું જણાવ્યું હતું.