- કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યના વજુભાઇ પણદા તેમજ તેમના ટેકેદારોનો ભેદી મૌન : કિશન પલાસની અપક્ષ ઉમેદવારીની વચ્ચે કોંગ્રેસના ડેમેજ કંટ્રોલના પ્રયાસો
દાહોદ,
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર હાલ 45 જેટલાં ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા છે. સોમવારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોય બપોર બાદ તમામ બેઠકોનો ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે આ તમામ સમીકરણોની વચ્ચે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ભેદી મૌન વચ્ચે ભરેલા અગ્નિ જેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું ગઢ યથાવત રહે તે માટે એક તરફ કોંગ્રેસ દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા કોંગ્રેસ નું ગઢ ધવસ્ત કરવા સંગઠને પુરી તાકાત લગાવી દીધી છે. આ તમામ સમીકરણોની વચ્ચે કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્ય વજુભાઈ પણદાની ટિકિટ કાપી હર્ષદ નિનામાને ફાળવી દેતા કોંગ્રેસમાં ભડકો થયો છે. પરિણામ સ્વરૂપ એક તરફ વર્તમાન ધારાસભ્ય વજુભાઈ ભેદી મોન સેવીને બેસી ગયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ કિશન પલાસે અપક્ષમાં દાવેદારી નોંધાવતા દાહોદ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર હર્ષદ નિનામાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.જોકે દાહોદ વિધાનસભા બેઠક પર અપક્ષમાં દાવેદારી નોંધાવનાર કિશન પલાસને વિપક્ષી પાર્ટી દ્વારા વોટ કાપવા ઉભા રાખ્યા હોવાનું રાજનીતિક ગલીયારાઓ તેમજ કોંગ્રેસ-ભાજપના અતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
જો કે દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા રાજસ્થાનના મંત્રી માલવિયા આજરોજ દાહોદ ખાતે આવ્યા હતા અને વજુભાઈ તેમજ તેમના ટેકેદારો તેમજ સમર્થકોની સાથે સાથે કિશન પલાસનું સંપર્ક કરી અમદાવાદના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, આ પ્રયાસો સફળ રહ્યા છે કે નહીં તે હાલ બહાર આવવા પામ્યું નથી.પરંતુ કોંગ્રેસમાં વિધાનસભાના ઉમેદવાર ની જાહેરાત બાદ શરૂ થયેલા વિરોધ અને અંદરો અંદરના ડખા નજીકના સમયમાં દૂર નહીં કરાય તો કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ બેઠક પર કમલ ખીલી જશે તેમાં કોઈ બે મત નથી. જો આ તમામ સમીકરણોની વચ્ચે દાહોદ જિલ્લા કોંગ્રેસનું સંગઠનનું માળખું એક જૂથ થઈ જશે તો ભાજપ માટે કોંગ્રેસનું ગઢ ધવસ્ત કરવા લોઢાના ચણા ચાવવા પડશે તે પણ એક વાસ્તવિકતા છે.