- વીડિયો કોન્ફરન્સમાં મહીસાગર જીલ્લા કલેક્ટર સહિતના જીલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 26,27 અને 28 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જીલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે જીલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર જીલ્લા કલેક્ટર સહિતના જીલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મહીસાગર જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારૂરૂપે થાય તે માટે વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જીલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. મિટિંગમાં જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ શિક્ષણલક્ષી યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવાનો છે.
વીડિયો કોન્ફરન્સ તથા મીટીંગમાં જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા, પ્રાયોજના વહીવટદાર સિદ્ધાર્થ યુવરાજસિંહ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.