ગુજરાતમાં હવે નવી મહામારી માથુ ઉચકી રહી છે. ગુજરાતમાં હવે કોલેરા બીમારી ધીરે ધીરે ફેલાઈ રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોલેરાએ દસ્તક આપી હોય તેવી દહેશત ફેલાઈ છે. ત્યારે હવે રાજકોટના ઉપલેટમાં તણસવા ગામે પાંચ બાળકોના મોત કોલેરાથી થયુ હોવાનું અનુમાન છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ પાસે પાંચ બાળકોના મોત થયા છે. ઉપલેટાના ગણોદ પાટીયા અને તણસવા ગામ વચ્ચે આવેલા પ્લાસ્ટિકના અલગ અલગ કારખાનાઓમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોના બાળકોના મૃત્યુ થયા છે. એક વર્ષથી સાત વર્ષ સુધીની ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે. ગત ૧૩ તારીખથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર, ડેપ્યુટીકલેકટર, પોલીસ તેમજ અન્ય ટિમો પહોંચી તણસવા ગામે પહોંચી ગયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. સિંગ પણ પહોંચ્યા ટીમ સાથે તણસવા ગામે પહોંચ્યું છે.
તણસવા ગામ નજીક પ્લાસ્ટિકના ઘણા કારખાનાઓ આવેલા છે. વેસ્ટ પાણી જતું હોય કારખાનાઓના પાણીને કારણે ઝાડા, ઉલ્ટી બાદ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્લાસ્ટિકના કારખાનાઓમાં વેસ્ટ માલ વચ્ચે ઝુંપડામાં રહેતા હોય અને પાણી પીતા હોવાથી ઝાડાઉલ્ટી થયા બાદ કોલેરા થયા હોય તેવું અનુમાન છે. આરોગ્ય હેલ્થ ઓફિસર દ્વારા ૨૦ ટીમ બનાવી આજુબાજુના કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવશે. પાણીના સેમ્પલ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટે લીધા છે જેને લેબમાં મોકલ્યા બાદ સાચું કારણ બહાર આવશે.
તો બીજી તરફ, આણંદ શહેરમાં કોલેરાનાં કેસ મળી આવતા શહેરનાં ૧૦ કિલોમીટરનાં વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયું છે. આણંદમાં કોલેરાના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદમાં કોલેરાના કુલ ૪ પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના ૪૧ કેસ સત્તાવાર નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના ૧૦૦ થી વધુ કેસ ખાનગી હોસ્પિટલમાં છે. આણંદ શહેરમાં પ્રશાંત ચોકડી પાસે આવેલીગુલમર્ગ સોસાયટીમાં પીવાનાં પાણીની પાઈપ લાઈનમાંથી દુષિત પાણી આવતા સોસાયટીમાં ૧૫ થી વધુ લોકોને ઝાડા ઉલ્ટીઓ સહીતની બિમારીઓ થતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠયો છે, અને આજે સ્થાનિક મહિલાઓએ સુત્રોચ્ચાર કરી પાલિકા હાય હાયનાં નારા લગાવી છાજીયા લીધા હતા.
તો અમદાવાદ શહેર પણ દૂષિત પાણીના ત્રાસથી બાકાત નથી એએમસીના અનેક પ્રયત્નો બાદ પણ શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર રીતે વકર્યો છે. એએમસી ના લેટેસ્ટ અપડેટ અનુસાર, જાન્યુઆરીથી જૂન માસ સુધી ઝાડા ઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી ૯ જૂન સુધી ઝાડાઉલટીના ૫૫૧૫, કમળો ૭૬૬, ટાઈફોઈડના ૧૮૧૫ અને કોલેરાના ૯૧ કેસ નોંધાયા છે. જૂન મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના સેંકડો કેસ નોંધાયા છે. ૯ જૂન સુધીમાં ઝાડાઉલટીમાં ૪૬૮, કમળો ૭૩, ટાઇફોઇડ ૧૫૬ અને કોલેરાના ૧૯ કેસ નોંધાયા છે. અમદાવાદના ઈન્દ્રપુરી, વટવા , લાંભા, મણિનગર , દાણીલીમડા, બહેરામપુરા, અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ નોંધાયા છે.