રાજકોટના લોધીયા માંથી ચોરાયેલ ટ્રેકટર-ટ્રોલી સાથે આરોપીને દાહોદ એલસીબીએ ઝડપ્યો

રાજકોટ જીલ્લાના લોધીયા વિસ્તારમાં ચોરીમાં ગયેલ ટ્રેક્ટર તથા ટોલી મળી કિંમત રૂા.2,50,000ના મુદ્દામાલ સાથે દાહોદ એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતાં તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના કતવારા ગામે પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાંથી એક ટ્રેક્ટરના ચાલકે પોલીસની ગાડી જોઈ પોતાના કબજાનું ટ્રેક્ટર ભગાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં ઝડપાયેલ ઈસમે પોતાનું નામ વિકેશ ઉર્ફે વિકાસ સબુરભાઈ ઉર્ફે સબુ જીથરાભાઈ ચૌહાણ (ભીલ) (રહે. ગુલબાર, કુવા ફળિયા, તા.ગરબાડા, જી.દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેને ભાગવાનું કારણ પુછી તેની પુછપરછ કરતાં ટ્રેક્ટર રાજકોટ જીલ્લાના રાવકી ગામેથી તેના શેઠ નાગજીભાઈ ચીરોડીયા (ભરવાડ) નાઓએ પૈસા નહીં આપતાં ગત તા 19.06.2024ના રોજ તેઓનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈ આવતો રહેલ હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.