શહેરાના મોર ઉંડારા ગામે પાનમ નદી માંંથી થતાં રેતીખનન સ્થળે ખાણ ખનિજ વિભાગે રેઈડ જેસીબી ટ્રેકટર મળી 60 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

શહેરા, શહેરા તાલુકાના મોર ઊંડારા ગામની પાનમ નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવી 1 જેસીબી અને 2 ટ્રેક્ટર મળી કુલ રૂ.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આ પાનમ નદીમાં મોટા માથાઓ દ્વારા રેતી ખનન થતું હોય ત્યારે હજુ પણ ખનીજ ચોરી અટકે એ માટે કડક કાર્યવાહી અત્યંત જરૂરી છે.

શહેરા તાલુકાના મોર ઊંડારા ગામે આવેલ રમજીની નાળ જે મોર ઊંડારા ગ્રામ પંચાયતમાં જ સમાવિષ્ટ છે,ત્યાંથી પાનમ નદી પસાર થાય છે અને નદીના કારણે મોટી માત્રામાં રેતીનો જથ્થો ત્યાં હોય છે. કથિત રીતે એકાદ બે જ લીઝ એવી છે, જે સરકાર પાસેથી ઈજારા પર લીધેલી છે બાકી મોટા પ્રમાણમાં રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોય છે, જેના કારણે સરકારી તિજોરીની આર્થિક આવકમાં મોટું ગાબડું પડે છે,સાથે આર્થિક નુકશાન વેઠવાનો પણ વારો આવે છે. ત્યારે હજી પણ રેતી ખનન માફિયાઓને કાયદાનો ડર ન હોય એ રીતે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા હોય છે. થોડા સમય પહેલા પણ આ જ જગ્યાએથી 5 જેટલા ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા છતાં ખનીજ માફિયાઓ બેખૌફ રેતી ચોરીને અંજામ આપતા હોય છે. ત્યારે પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર પૃથ્વીસિંહને અંગત બાતમી મળતાં તેઓએ ટીમ સાથે મોર ઊંડારા ગામ નજીક સપાટો બોલાવ્યો હતો.

જેમાં સ્થળ ઉપરથી એક જે.સી.બી મશીન તેમજ 2 ટ્રેક્ટર સહિત ત્રણ વાહનો પકડી પાડવામાં આવ્યા હતા. ખનીજ વિભાગની ટીમ નદી ખાતે હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા નદી ખાતે અન્ય વિસ્તારોમાં ખનીજ ચોરી કરતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. નદી ખાતેથી જેસીબી મશીન અને ટ્રેક્ટર મળીને ખાણ ખનીજ વિભાગે કુલ રૂ.60 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો અને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને લઈ ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પાનમ નદીમાં મોટા પાયે ગેરકાયદે ખનન રેતીનું થતું હોય ત્યારે આ સામે અસરકારક કાર્યવાહી સ્થાનિક તંત્ર અને જીલ્લાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તો ખનીજ ચોરી અટકી શકે તો નવાઈ નહી..