શહેરાના વાધજીપુર ચોકડી થી પારદડી રોડ ડમ્પરની અડફેટમાં રાહદારી વૃધ્ધ મહિલાનું મોત

શહેરા,શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી થી પાદરડી રોડ ઉપર રાહદારી વૃધ્ધ મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લેતા વડોદરા ખાતે સારવાર દરમ્યાન વૃધ્ધાનું મોત નીપજ્યુ હતુ.

શહેરા તાલુકાના પાદરડી ગામના બારીઆ ફળિયામાં રહેતી 65 વર્ષીય વૃધ્ધ મહિલા નામે રાધાબેન કનુભાઈ બારીઆ ગત તા.20 જુનના રોજ વાઘજીપુર ચોકડી થી પાદરડી તરફ જતા રસ્તા ઉપરથી ચાલતા જતા હતા. તે સમય દરમિયાન ત્યાંથી પુરઝડપે અને ગફલત ભરી રીતે પસાર થતાં ડમ્પર નંબર જીજે-06-બીટી-1400 ના ચાલકે રોડ ઉપર ચાલતા જતા રાધાબેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાધાબેનને માથા તેમજ પગના ભાગે ઈજાઓ થતાં તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરાતા સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં આજરોજ સારવાર દરમ્યાન વડોદરા એસ.એસ.જી. ખાતે રાધાબેનનું મોત નીપજ્યું હતું. જેને લઈને આ સમગ્ર બાબતે ડમ્પર ચાલક સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.