શહેરા તાલુકાના ઉંજડા ગામના ભરવાડ ફળિયામાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા સ્વેચ્છિક દબાણ દૂર કરવાની નોટિસ ઘરની દિવાલ પર ચોંટાડી

  • સરકારી ગામ તળ ની જમીનમાં આવેલા 26 મકાનો ના દિવાલ ઉપર ગ્રામ પંચાયત કચેરી દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા નોટિસ ચોંટાડી.
  • નોટિસ મળતાની સાથે ભરવાડ પરિવારો ઘરની અંદર રહેલ સામાન ખાલી કરતા જોવા મળ્યા .
  • ભરવાડ ફળિયામાં વર્ષોથી 26 પરિવારો વસવાટ કરતા હોવા સાથે 150 કરતાં વધુની વસ્તી.
  • ગ્રામ પંચાયત કચેરી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સોમવારના ના રોજ દબાણ દૂર કરાશે .

શહેરા, શહેરા તાલુકાના ઉંજડા ગામની ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારી ગામ તળની જમીનમાં ભરવાડ ફળિયામાં આવેલા 26 જેટલા મકાનોની દીવાલ પર સ્વેચ્છિક દબાણ દૂર કરવા નોટિસ ચોટાડવામાં આવી હતી. નોટિસ મળતાની સાથે અહી રહેતા ભરવાડ પરીવારો ઘરની અંદર રહેલ ઘરવખરી ખાલી કરતા જોવા મળવા સાથે ચિંતિત થઈ ઉઠ્યા હતા.

શહેરા તાલુકાના ઉંજડા ગામના ભરવાડ ફળિયામાં આવેલી સરકારી ગામતળની જમીનમાં દબાણ હોવાને લઈને તાલુકા તંત્ર એકશનમાં આવ્યું હતું. ભરવાડ ફળિયામાં આવેલા 26 જેટલા ઘરોની દીવાલ પર ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ચોટાડવામાં આવી હતી. જેમાં દબાણ કરનારાઓને સ્વેચ્છિક દબાણ દૂર કરવા જણાવામાં આવા સાથે જો દબાણ કરનારાઓ પોતાનું દબાણ દૂર નહીં કરે તો સોમવારના રોજ પંચાયત કાયદાની કલમ 105 મુજબ ગ્રામ પંચાયત કચેરી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. ગ્રામ પંચાયત કચેરીની નોટિસ મળતાની સાથે અહીં રહેતા ભરવાડ પરીવારો પોતાની ઘરની અંદર રહેલ ઘરવખરી સહિતના સામાન ખાલી કરીને વાહનમાં ભરતા નજરે પડી રહયા હતા.

ઘર ખાલી કરતી વખતે અહીં રહેતા અનેક લોકોના આંખોમાં આંસુ વહેતા જોવા મળવા સાથે ચિંતામાં ઘરકાવ થઈ ગયા હતા. આ બાબતે નાગજીભાઈ ભરવાડને પૂછતા તેઓએ જણાવ્યું કે ભરવાડ ફળિયામાં સરકારી ગામ તળની જમીનમાં વર્ષોથી અમે રહીએ છીએ અને અમારા 26 મકાનોની 150 કરતા વધુ ની વસ્તી છે.જોકે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સમક્ષ 26 અરજદારોએ 19જૂન ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને પોતાની પાસે રહેલા આધાર પુરાવા રજૂ કર્યા હતા. ગ્રામ પંચાયત કચેરીની મળેલી દબાણ દૂર કરવાની નોટિસને લઈને રવિવારના દિવસે ભરવાડ ફળિયામાં રહેતા લોકો ઘરમાંથી સામાન ખાલી કરવા સાથે 100કરતા વધુ પશુઓનો ઘાસચારો પણ વાહનમાં ભરી લઈ જતા હતા.

જ્યારે ગ્રામ પંચાયત કચેરી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજે સોમવારના દસ વાગ્યાની આસપાસ નિયમ મુજબની કાર્યવાહી અહીં હાથધરી ને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા આજ ગામના નજીકમાં આવેલા ગોકળપુરા ગામના માજી સરપંચ દિનેશ બારીયાની સામાન્ય બાબતે ભરવાડ ફળિયાના ત્રણ ઇસમો દ્વારા હત્યા કરી દેવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.