હાર્દિક પંડ્યા ૩૦૦થી વધુ રન અને ૨૦ થી વધુ વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઓલરાઉન્ડર બન્યો

ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી ૨૦ વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શનિવારે બાંગ્લાદેશ સામેની સુપર-૮ મેચમાં હાર્દિકે પોતાના પ્રથમ બેટથી ધમાલ મચાવી હતી. છઠ્ઠા સ્થાને આવતા હાર્દિકે ૨૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા અને ૧૮૫.૧૯ના સ્ટ્રાઈક રેટથી અણનમ ૫૦ રન બનાવ્યા હતા.

આ પછી તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને આઉટ કરીને મોટી સફળતા પોતાના નામે કરી હતી. આ સાથે હાર્દિક ટી ૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.હાર્દિક પંડ્યા ટી ૨૦ વર્લ્ડકપમાં ૩૦૦ થી વધુ રન બનાવનાર અને ૨૦ થી વધુ વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઓલરાઉન્ડર બન્યો છે.

આ વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં તેણે ૩૨ રન બનાવ્યા હતા. યુએસએ સામેની મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી અને ૧૪ રન આપીને ૨ વિકેટ લીધી હતી. તેણે પાકિસ્તાન સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે ૨૪ રન આપીને ૨ વિકેટ લીધી હતી. તેણે આયર્લેન્ડ સામે બોલિંગમાં પોતાની પ્રતિભા દેખાડી. આયર્લેન્ડ સામે પંડ્યાએ ૨૭ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ પમાં અત્યાર સુધી પંડ્યાએ ૮ વિકેટ ઝડપી છે. જ્યારે તેણે બેટથી ૮૯ રનનું યોગદાન આપ્યું છે. હાર્દિક ટીમ ઈન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થઈ રહ્યો છે એમ કહેવું ખોટું નહીં હોય.

બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાના શાનદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ ૫૦ રનથી જીત મેળવી હતી. આ મેચમાં પંડ્યા સિવાય કેપ્ટન રોહિત શર્માએ ૧૧ બોલમાં ૨૩ રન, વિરાટ કોહલીએ ૨૮ બોલમાં ૩૭ રન, રિષભ પંતે ૨૪ બોલમાં ૩૬ રન, શિવમ દુબેએ ૨૪ બોલમાં ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૯૬ રન બનાવ્યા હતા.

જેનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૪૬ રન જ બનાવી શકી અને ૫૦ રનથી મેચ હારી ગઈ હતી. કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને ૩ વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે ૨-૨ વિકેટ લીધી હતી. હવે સુપર-૮માં ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ ૨૪ જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે. સેમિફાઇનલ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.