
વિરાટ કોહલીએ વર્લ્ડ કપના મંચ પર ઇતિહાસ રચી દીધો. હાલમાં રમાઈ રહેલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે રમતી વખતે વર્લ્ડ કપ (વનડે અને ટી ૨૦ વર્લ્ડ કપ સહિત) માં ૩,૦૦૦ રનના આંકડા પર પહોંચી ગયો. આની સાથે જ વિરાટ કોહલી આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીએ ૨૮ બોલમાં ૧ ફોર અને ૩ સિક્સરની મદદથી ૩૭ રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ વિરૂદ્ધ આ ઇનિંગ સાથે કોહલીએ ટી ૨૦ વર્લ્ડ કપમાં ૧૨૦૦ રનના આંકડા પર પહોંચી ગયો. વિરાટ કોહલી ટી ૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી ૩૨ મેચોની ૩૦ ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે ૬૩.૫૨ની એવરેજ અને ૧૨૯.૭૮ની સ્ટ્રાઇક રેટથી ૧૨૦૭ રન બનાવી લીધા છે. આ દરમિયાન, તેણે ૧૪ અડધી સદી ફટકારી છે, જેમાં હાઈ સ્કોર ૮૯* રન રહ્યો છે.
આ સિવાય વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપની ૩૭ મેચોની ૩૭ ઇનિંગ્સમાં ૫૯.૮૩ની એવરેજથી ૧૭૯૫ રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે ૫ સદી અને ૧૨ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર ૧૧૭ રન છે. ૨૦૨૩માં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. વિરાટ કોહલીએ ૧૧ મેચની ૧૧ ઇનિંગ્સમાં બેટિંગ કરીને ૯૫.૬૨ની એવરેજથી ૭૬૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૩ સદી અને ૬ અડધી સદી ફટકારી હતી.
જણાવી દઈએ કે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા વિરાટ કોહલીના બેટથી વધુ રન નથી નીકળ્યા. પહેલી ત્રણ મેચમાં તે ડબલ ફિગર પણ પાર કરી શક્યો નહોતો. ટૂર્નામેન્ટની પહેલી ત્રણ મેચમાં કોહલીએ આયર્લેન્ડ સામે માત્ર ૦૧ રન અને પાકિસ્તાન સામે ૦૪ રન બનાવ્યા હતા, જ્યારે અમેરિકા સામેની મેચમાં કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની સુપર-૮ મેચમાં તેણે પોતાની લય પાછી મેળવી હતી અને ૨૪ બોલમાં ૧ છગ્ગાની મદદથી ૨૪ રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ સામે તેણે સારી ઇનિંગ રમી અને પોતાની લય પાછી મેળવી લીધી, જેના માટે કોહલી જાણીતો છે.