કેદારનાથના મેર્ક્સે સારા અલી ખાન પર પાંચ કરોડનો કેસ કર્યો હતો

સારા અલી ખાને ૨૦૧૮માં આવેલી અભિષેક કપૂરની ’કેદારનાથ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેણે રોહિત શેટ્ટીની ’સિમ્બા’ સાઇન કરી હતી અને એને કારણે બન્ને ફિલ્મોનાં શૂટિંગ પર અસર પડી હતી. એને લીધે ’કેદારનાથ’ના મેર્ક્સે સારા પર પાંચ કરોડ રૂપિયાનો કેસ કર્યો હતો. એ વિશે સારા કહે છે, ’૨૦૧૮ના મે મહિનામાં મારે ’સિમ્બા’નું શૂટિંગ કરવાનું હતું. એ જ વખતે મારી પહેલી ફિલ્મ ‘કેદારનાથ’નું પણ શૂટિંગ બાકી હતું. બન્ને ફિલ્મોની તારીખ ઉપર-નીચે થઈ હતી એથી ‘કેદારનાથ’ના મેર્ક્સે મારા પર પાંચ કરોડનો કેસ કર્યો હતો. મારી પાસે પાંચ કરોડ રૂપિયા નહોતા એટલે હું ખૂબ નર્વસ હતી. મારી મમ્મી દિલ્હીમાં હતી, કેમ કે તેના પપ્પાની તબિયત ખરાબ હતી.

મને કાંઈ સમજ નહોતી પડતી કે આનું હું શું કરું? મેં મૅનેજમેન્ટને કોર્ટમાં મોકલ્યું, કેમ કે મારે શૂટિંગ કરવાનું હતું. જોકે એક વાતની નિરાંત હતી કે કોર્ટની બહાર સમાધાન કરી લેવામાં આવ્યું હતું. રોહિતસર અને અભિષેક્સરે મળીને થોડા જ સમયમાં બધું પાર પાડી દીધું હતું. ‘કેદારનાથ’ના મેર્ક્સને માત્ર ત્રણ તારીખો જ જોઈતી હતી એટલે રોહિતસરે કહ્યું, ‘ઠીક હૈ, લે લો.’ આ રીતે કેસ પતી ગયો હતો.’