મારે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે: મહારાજ માં મજબૂત ડેબ્યૂ બાદ જુનૈદ ભાવુક થયો

નેટલિક્સ અને યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ મહારાજ રિલીઝ થઈ છે અને આ ફિલ્મ તેમ જ જુનૈદ ખાનની એક અભિનેતા તરીકેની જોરદાર શરૂઆત દર્શકોના દિલ જીતી રહી છે. જુનૈદ ખાન તેને મળી રહેલી સકારાત્મક સમીક્ષાઓથી અભિભૂત છે અને તે રોમાંચિત છે કે લોકો સમગ્ર વિશ્ર્વમાં તેનું પદાર્પણ જોવા માટે સક્ષમ છે.

લાગણીશીલ થઈને જુનૈદે કહ્યું કે છે, “હું અત્યારે જે અનુભવું છું તે શબ્દોમાં વ્યક્ત કરી શક્તો નથી. ‘મહારાજ’ મારા માટે લાંબી અને જટિલ યાત્રા રહી છે, પરંતુ બધું સારું છે જેનો અંત પણ સારો છે. તે વધુમાં ઉમેરે છે કે, મહારાજ ખૂબ જ પ્રેમ, આદર અને જુસ્સા સાથે બનાવવામાં આવી હતી અને હું ખુશ છું કે આ ફિલ્મ અને મારો અભિનય દર્શકોના હૃદયને સ્પર્શી રહ્યો છે.

જુનૈદે વધુમાં કહ્યું કે, “હું જાણું છું કે મારે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે અને ઘણું બધું સુધારવાનું છે. હું આશા રાખું છું કે મારા ભવિષ્યના તમામ કાર્યોમાં મને આવી સહાયક કલાકારો અને ક્રૂ મળશે.” ઐતિહાસિક ડ્રામા ફિલ્મ મહારાજ ભારતીય ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય કેસોમાંના એક, ૧૮૬૨ના મહારાજા માનહાનિ કેસ પર આધારિત છે. તે સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત છે અને રૂઇહ્લ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં નવોદિત જુનૈદ ખાન, જયદીપ અહલાવત અને શાલિની પાંડે મહત્વની ભૂમિકામાં છે અને શર્વરીની ખાસ ભૂમિકા પણ છે.

૧૮૬૨માં આઝાદી પૂર્વેના ભારતમાં બનેલી સાચી ઘટનાઓ પર આધારિત, મહારાજ ભારતના સૌથી મહાન સમાજ સુધારક, કરસનદાસ મૂળજીની યાત્રાને અનુસરે છે. આ ડેવિડ અને ગોલિયાથની વાર્તા એક માણસની તેના સમયના અન્યાય સામે ઊભા રહેવાની હિંમત દર્શાવે છે. વિવેચકો અને ચાહકો બંને ફિલ્મના જોરદાર અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. જુનૈદની નવી તાજગીથી લઈને જયદીપના મજબૂત વ્યક્તિત્વ સુધી, ચાહકો દરેક વસ્તુને પ્રેમ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નિથિલન સ્વામીનાથન દ્વારા નિર્દેશિત ફિલ્મ મહારાજ, ૧૪ જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટલિક્સ પર રિલીઝ થવાની હતી, પરંતુ પ્રતિબંધની માગ બાદ તેની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. ૨૧ જૂને કોર્ટે તેને રિલીઝ કરવાનો આદેશ આપ્યો કે તરત જ નિર્માતાઓએ તેને કોઈપણ વિલંબ કર્યા વિના નેટલિક્સ પર સ્ટ્રીમ કરી હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યા બાદ ઈરા ખાને ભાઈ જુનૈદને ખુશ કર્યા છે. આયરા ખાને તેના ભાઈ જુનૈદ ખાનને ખુશ કરવા માટે એક પોસ્ટ શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મહારાજનું પોસ્ટર શેર કર્યું છે. તેમ જ ચાહકોને આ ફિલ્મ જોવા માટે વિનંતી કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, હવે જુઓ.