હું કોઈનું મોઢું કેવી રીતે બંધ કરી શકું, તેથી જ હું બધાને નજરઅંદાજ કરું છું.નાના પાટેકર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નામ અવારનવાર વિવાદો સાથે જોડાયેલું રહ્યું છે. ૨૦૧૮માં મી ટુ દરમિયાન તનુશ્રી દત્તાએ જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તનુશ્રી દત્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ૨૦૦૮માં ફિલ્મ ’હોર્ન ઓકે પ્લીઝ’ના એક ગીતના શૂટિંગ દરમિયાન નાનાએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન નાના આ નિવેદનો પર ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા.

નાના પાટેકરે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઈન્ડસ્ટ્રીમાં તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પ્રખ્યાત છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે શું તનુશ્રી દત્તાના આરોપો સાંભળીને તે ગુસ્સે છે? આ સવાલના જવાબમાં અભિનેતા કહે છે, ’ના, હું ક્યારેય ગુસ્સે થયો નથી કારણ કે હું શરૂઆતથી જ જાણતો હતો કે આ બધું જુઠ્ઠું છે. જ્યારે તે ખોટું બોલે છે ત્યારે મારે તેના પર કેમ ગુસ્સો કરવો જોઈએ? બધી વાતો, બધા આરોપો ખોટા હતા એટલે જ હું શાંત હતો.

નાના પાટેકર આગળ કહે છે, ’હું મારું સત્ય જાણું છું અને આ જ મારા માટે મહત્ત્વનું છે. મારે મારું સત્ય કોઈને કહેવા શા માટે જવું જોઈએ? કોણ શું કહે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. જ્યારે આવું કંઈ જ થયું નથી તો પછી આપણે શા માટે વાત કરીએ છીએ. હું જૂની વાતો ભૂલી જવા માંગુ છું. હું જાણું છું કે મેં કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી.

સોશિયલ મીડિયા વિશે વાત કરતી વખતે નાના પાટેકરે કહ્યું, ’હું સોશિયલ મીડિયા પરની વસ્તુઓ પર ધ્યાન નથી આપતો. કોણ શું લખે છે કે શું કહે છે તે હું નિયંત્રિત કરી શક્તો નથી. હું કોઈનું મોઢું કેવી રીતે બંધ કરી શકું, તેથી હું દરેકની અવગણના કરું છું. તમારે ફક્ત તમારું સત્ય જાણવાની જરૂર છે, તે પૂરતું છે. બાકી લોકોનું કામ કહેવાનું છે, તેઓ ચોક્કસ કંઈક કહેશે.