યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક કાયદો તૈયાર કર્યો છે જે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ), કોમ્પ્યુટર ચિપ્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે ચીનમાં યુએસ રોકાણને પ્રતિબંધિત અને મોનિટર કરશે. આ પ્રસ્તાવ ઓગસ્ટ ૨૦૨૩માં રાષ્ટ્રપતિ જો બિડેનના એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ કરવામાં આવ્યો છે. જેમાં ચિંતાના દેશોને એડવાન્સ ટેક્નોલોજી માટે ફંડિંગ રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. ચીન માટે આ મોટો ફટકો હશે.
રાષ્ટ્રપતિ બિડેનના આદેશમાં ચીન, હોંગકોંગ અને મકાઉને ચિંતાના દેશો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ તૈયારી વિશ્ર્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં તકનીકી વિકાસને રોકવાનો પ્રયાસ છે. તેની અસર લશ્કરી પ્રગતિ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ઉભરતા ક્ષેત્રો પર પડવાની ચોક્કસ છે. બિડેન વહીવટીતંત્રે ચાઇનીઝ ઇવી પર કડક આયાત જકાત પણ લાદી છે, જે વૈશ્વિક વેપારના વિસ્તરણને અસર કરશે.
એક વખત નવા નિયમો અમલમાં આવ્યા પછી ચાઈનીઝ ટેક્નોલોજી સાથે વ્યવહાર કરનાર કોઈપણ અમેરિકનને પણ પ્રતિબંધોના ઉલ્લંઘનનો સામનો કરવો પડશે. નવો નિયમ લોકોને ચીન સાથેના સંબંધો ધરાવતા લોકોથી દૂર રહેવાની ફરજ પાડે છે. નવા નિર્ણયો બંને દેશો સાથે વૈશ્વિક વેપાર સંબંધો ધરાવતા દેશોને પણ અસર કરશે.