કોર્ટે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને ૩૦૦૦ રૂપિયાનો દંડ કર્યો

ભારતીય જનતા પાર્ટીના કોલાબાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ઍડ્વોકેટ રાહુલ નાર્વેકરને સેશન્સ કોર્ટે ૩૦૦૦ રૂપિયાનો દંડ કરીને તેમને ૮ જુલાઈએ હાથ ધરાનારી આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાના સમયમાં વીજળીના દરમાં વધારો કરવાના વિરોધમાં ભાજપ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગના જનરલ મૅનેજરની મારપીટ કરવાનો આરોપ છે.

આ બાબતે બાદમાં ભાજપના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર સહિત ૨૦ પદાધિકારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે આ કેસની સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાહુલ નાર્વેકર સુનાવણીમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેમને દંડ કર્યો છે.