મોદી પાસેથી ઘર-શૌચાલય-રસ્તા-નોકરી લીધી, પણ કોંગ્રેસને મત આપ્યો,આસામના સીએમ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ લોક્સભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેણે બાંગ્લાદેશી મૂળના લઘુમતી સમુદાય પર હુમલો કર્યો. સરમાએ કહ્યું કે આ સમુદાયના લોકોને ઘર, શૌચાલય, રસ્તા, સરકારી નોકરી, રાશન અને દર મહિને ૧૨૫૦ રૂપિયા મોદી સરકાર પાસેથી મળ્યા પરંતુ આ સમુદાયે કોંગ્રેસને મત આપ્યો કારણ કે તેઓ તુષ્ટિકરણ ઇચ્છતા હતા.

સીએમ સરમાએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય વિકાસ નથી પરંતુ મોદીને હટાવવાનો અને તેમના સમુદાયનું વર્ચસ્વ જાળવી રાખવાનો છે. શનિવારે ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન સરમાએ કહ્યું કે આસામમાં આ એકમાત્ર સમુદાય છે જે સાંપ્રદાયિક્તામાં લપેટાયેલો છે. આનાથી સાબિત થાય છે કે હિંદુઓ કોમવાદમાં સામેલ નથી. આસામમાં જો કોઈ સાંપ્રદાયિક્તામાં લિપ્ત હોય તો તે માત્ર એક જ સમુદાય છે.

આસામમાં એનડીએને ૧૪માંથી ૧૧ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓને માત્ર ત્રણ બેઠકો મળી હતી. વોટ ટકાવારીની વાત કરીએ તો એનડીએને ૪૭ ટકા વોટ મળ્યા જ્યારે ઈન્ડિયા એલાયન્સને ૩૯ ટકા વોટ મળ્યા.

સીએમ સરમાએ કહ્યું કે જો આપણે કોંગ્રેસના ૩૯ ટકા વોટનું વિશ્લેષણ કરીએ તો તે આખા રાજ્યમાંથી મળ્યા નથી. તેમણે કહ્યું કે આમાંથી ૫૦ ટકા ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાંથી પ્રાપ્ત થયા છે, જે લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે. આ વિસ્તારોમાં ભાજપને ત્રણ ટકા મત મળ્યા છે.

આસામના મુખ્યમંત્રી સરમાએ તાજેતરમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. રોબર્ટ વાડ્રાના રાજનીતિમાં આવવાના સવાલ પર સરમાએ કહ્યું કે ત્રણ ગાંધી પહેલાથી જ લોન્ચ થઈ ચૂક્યા છે. હું ઈચ્છું છું કે રોબર્ટ વાડ્રા અને તેમના બાળકો પણ જલ્દી રાજકારણમાં આવે.