ભાજપે સત્યેન્દ્ર જૈનની બીમારીની મજાક ઉડાવી છે : આપ

નવીદિલ્હી,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હાલ શિયાળાની સિઝનમાં પણ માહોલ ગરમ થઈ ગયો છે. નેતાઓની આક્ષેપબાજીને કારણે હાલ માહોલ તંગ બન્યો છે. એમાંય ગુજરાતની ચૂંટણીની અસર દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિમાં કેજરીવાલના પૂર્વ મંત્રી જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભાજપે પોસ્ટ કરી પર્દાફાશ કર્યો છે. આ વીડિયો સામે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ અચંભિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છેકે, આવક કરતાં વધુ સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ફરી વિવાદમાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈડ્ઢએ કોર્ટમાં એફિડેવિટ અને કેટલાક ફોટોગ્રાસ આપીને આ અંગે ફરિયાદ પણ કરી હતી.

દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. ઈડીએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો સપ્ટેમ્બર મહિનાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રથમ વીડિયો, ૧૩ સપ્ટેમ્બરનો આ વીડિયો ૩૬ સેકન્ડનો છે, જેમાં સફેદ ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિ મંત્રીના પગની માલિશ કરી રહી છે. પલંગ પર પડેલા સત્યેન્દ્ર જૈન કેટલાક કાગળો જોઈ રહ્યા છે. તેમની બાજુમાં રહેલા ઓશીકા પર રિમોટ પડેલું છે. તેમના રૂમમાં મિનરલ વોટરની બોટલો પણ દેખાય છે.

બીજો વીડિયો, ૧૪ સપ્ટેમ્બરનો આ વીડિયો ૨૬ સેકન્ડનો છે. આમાં સત્યેન્દ્ર જૈન પલંગ પર આરામથી સૂઈ રહ્યા છે અને એક માણસ તેમના પગ દબાવી રહ્યો છે. તેમના રૂમમાં ખુરસી પર અખબાર કે મેગેઝિન પણ દેખાય છે

ત્રીજો વીડિયો, ૧૪ સપ્ટેમ્બરનો આ વીડિયો પણ ૨૬ સેકન્ડનો છે. આમાં સત્યેન્દ્ર જૈન ખુરસી પર બેઠા છે અને એક વ્યક્તિ તેમના માથામાં માલિશ કરી રહી છે. રૂમમાં એક જોડી બૂટ અને ચંપલની જોડી દેખાય છે. તેમના પલંગ પર રિમોટ પણ દેખાય છે. ઈડીએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં ઘણી સુવિધાઓ મળી રહી છે. જેલના સીસીટીવી ફૂટેજમાં તેઓ બેક એન્ડ ફૂટ મસાજ કરાવતા જોવા મળે છે. જેલ સુપરિન્ટેન્ડન્ટ નિયમોની વિરુદ્ધ જઈને સત્યેન્દ્ર જૈનને મળે છે, તેઓ તેમને પૂછવા જાય છે કે મંત્રીને જેલમાં કોઈ સમસ્યા છે કે કેમ. ઈડીએ કહ્યું હતું કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સત્યેન્દ્ર જૈન માટે દરરોજ તેમના ઘરેથી ભોજન મગાવવામાં આવે છે. તેમની પત્ની પૂનમ જૈન અવારનવાર સેલમાં તેમની મુલાકાત લે છે, જે ખોટું છે. તે કેસના અન્ય આરોપીઓ સાથે કલાકો સુધી તેની સેલમાં બેઠકો કરે છે. સત્યેન્દ્ર જૈન જેલમંત્રી હોવાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

જો કે તિહાર પ્રશાસને કહ્યું હતું કે ઈડીએ આપ નેતા સત્યેન્દ્ર જૈનના સેલ અને વોર્ડના સીસીટીવી ફૂટેજ માગ્યા હતા, જે એજન્સીને આપવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનના સેલમાં બહારથી કોઈ આવતું નથી. સવારે, જ્યારે કેદીઓની ગણતરી માટે સેલ ખૂલે છે ત્યારે વોર્ડમાં હાજર તમામ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકે છે. દરમિયાન સત્યેન્દ્ર કેસ બીજા આરોપીઓ સાથે મીટિંગ કરે છે. જેલ પ્રશાસને સેલમાં કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ગેજેટ હોવાનો ઈનકાર કર્યો છે. તિહાર જેલના બેરેક નંબર ૭ના સુપરિન્ટેન્ડન્ટ અજિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને વીવીઆઇ ટ્રીટમેન્ટ આપવા અને જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરને ધમકી આપવા બદલ કુમાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

દરમિયાન સત્યેન્દ્ર જૈનના મસાજ વીડિયોને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો છે. ભાજપ અને આપએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપે સત્યેન્દ્ર જૈનની બીમારીની મજાક ઉડાવી છે. ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એમસીડીની ચૂંટણી હારી રહી છે, તેથી જ તે મુદ્દાઓથી હટી જવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આપ આજે મસાજ પાર્ટી બની ગઈ છે. ધર્માંધ ઈમાનદાર, કટ્ટર બેઈમાનને મસાજ આપે છે. કાયદાનું ઉલ્લંઘન થયું છે. કેજરીવાલે હજુ સુધી આ મસાજ મંત્રીને મંત્રી પદ પરથી હટાવ્યા નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે પોતાના લોકો માટે કોઈ કાયદો મહત્વનો નથી. આ વીડિયો તેનું જીવંત ઉદાહરણ છે. કેજરીવાલે બહાર આવીને જણાવવું જોઈએ કે તેઓ શા માટે મસાજ આપી રહ્યા છે.

ગૌરવ ભાટિયાએ કહ્યું કે જેલમાં કેદીનો ડ્રેસ હોય છે પણ સત્યેન્દ્ર જૈન ટી-શર્ટમાં કેમ છે? સત્યેન્દ્ર જૈન આરામથી સૂઈ રહ્યો છે અને મસાજ કરાવી રહ્યો છે. સુકેશના નામે તિહાર જેલની અંદર ખંડણી પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સવાલ એ થાય છે કે શું કેજરીવાલ પોતે ભ્રષ્ટાચારમાં સામેલ છે. એવું લાગે છે કે ભ્રષ્ટાચારની તિજોરીનો પાસવર્ડ સત્યેન્દ્ર જૈન પાસે છે. રહસ્ય બહાર ન આવે તે માટે વીઆઇપીઁ સુવિધા આપવામાં આવી રહી છે.

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સત્યેન્દ્ર જૈનને છેલ્લા ૬ મહિનાથી જેલમાં રાખ્યા છે. રોગની સારવારના સીસીટીવી ફૂટેજ તેમની બીમારીની મજાક ઉડાવી રહ્યા છે. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ આ કરશે નહીં. વડાપ્રધાનથી લઈને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ બીમાર પડી શકે છે. જેલમાં પડી જતાં સત્યેન્દ્ર જૈનને ઈજા થઈ હતી. તેના બે ઓપરેશન થયા છે. ડૉક્ટરે લખ્યું છે કે તેને નિયમિત ફિઝિયોથેરાપીની જરૂર છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપના લોકોમાં માનવતા બાકી નથી. ક્યારેક કોર્ટ બદલાય છે તો ક્યારેક વકીલો બદલાય છે. કોઈપણ જેલનો વિડિયો લો, ત્યાં કોઈ દર્દી ફિઝિયોથેરાપી કરાવતો હોવો જોઈએ. કોર્ટે વિડિયો જાહેર ન કરવાની સૂચના આપી હતી, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.