સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંકના વાર્ષિક ડેટા દર્શાવે છે કે ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા સ્વિસ બેંકોમાં સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલ નાણાં ૭૦ ટકા ઘટીને ૨૦૨૩માં ૧.૦૪ અબજ સ્વિસ ફ્રેંક એટલેકે રૂપિયા ૯,૭૭૧ કરોડના નીચલા સ્તરે પહોંચ્યા છે.
સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોના કુલ ભંડોળમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. ૨૦૨૧માં તે ૩.૮૩ બિલિયન ફ્રેંકની ૧૪ વર્ષની ટોચે પહોંચી હતી. આ ઉપરાંત ભારતની અન્ય બેંક શાખાઓ મારફત ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને ભંડોળમાં થાપણોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ સ્વિસ નેશનલ બેંકને બેંકો દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા છે અને તે સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા બહુચચત કાળા નાણાની સંખ્યા દર્શાવતા નથી. આ આંકડાઓમાં ભારતીયો, એનઆરઆઇ અથવા અન્ય લોકોના ત્રીજા દેશની સંસ્થાઓના નામે સ્વિસ બેંકોમાં રહેલા નાણાંનો પણ સમાવેશ થતો નથી.
સ્વિસ નેશનલ બેંકે તેના ડેટામાં જણાવ્યું છે કે તેની પાસે ૨૦૨૩ના અંતે ૧,૦૩૯.૮ મિલિયન સ્વિસ કરન્સી ફ્રેંકની ભારતીયોની કુલ જવાબદારીઓ છે. બેંકે તેને કુલ જવાબદારીઓ અથવા બાકી રકમ તરીકે ઓળખાવી છે.
બેંક અનુસાર, આ રકમમાં ગ્રાહકની થાપણોના રૂપમાં ૩૧૦ મિલિયન ફ્રેંક, અન્ય બેંકો દ્વારા ૪૨૭ મિલિયન ફ્રેંક, ટ્રસ્ટ દ્વારા ૧૦ મિલિયન ફ્રેંક અને બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય સાધનોના રૂપમાં ૩૦૨ મિલિયન ફ્રેંકનો સમાવેશ થાય છે.
એસએનબી ડેટા અનુસાર વર્ષ ૨૦૦૬માં કુલ રકમ લગભગ ૬.૫ બિલિયન સ્વિસ ફ્રેંકની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી જે પછી તે ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૦ અને ૨૦૨૧ સહિત કેટલાક વર્ષો સિવાય મોટાભાગે ઘટાડાના ટ્રેન્ડ પર રહી છે.