લુણાવાડા જી.ઈ.બી.કચેરી પાસે લકઝરી બસના દરવાજામાં ઉભેલ મુસાફર પડી જતાં મોત

મહિસાગર જિલ્લાના લુણાવાડા જીઈબી ઓફિસની નજીકમાં વળાંકમાં લકઝરી બસના દરવાજામાં ઉભેલી વ્યકિત નીચે પડી જતાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. લકઝરી ચાલક લકઝરી લઈ નાસી છુટ્યો હતો.

આણંદ જિલ્લાના વાંસદ ખાતે આવેલી એક હોટલમાં કામ કરતા મુળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના બગીદોરા તાલુકાના ચોખલા ગામે રહેતા ભેમજીભાઈ વિઠ્ઠલભાઈ યાદવ, સુનીલભાઈ વિઠ્ઠલભાઈ યાદવ, જીતેન્દ્ર યાદવ તથા રોનક મુકેશ યાદવ હોટલમાં કામ કરી તેમના વતનમાં જવા માટે નીકળ્યા હતા. ગોલ્ડન ચોકડીથી રાત્રે બે વાગ્યે મુંબઈ તરફથી એક ટ્રાવેલ્સ લકઝરી બસ જેની આગળ જય કલ્યાણ લખેલુ હતુ તેમા બધા બેસી ગયા હતા. ગોધરાથી લુણાવાડા તરફ આવતા સુનીલભાઈ યાદવને ઉલ્ટી થતી હોવાથી તે બસનો દરવાજો ખોલીને દરવાજામાં બેઠો હતો. લુણાવાડા જીઈબી સબ સ્ટેશન વળાંકમાં બસ વધુ સ્પીડમાં હોવાથી સુનીલભાઈ યાદવ બસના દરવાજામાંથી નીચે પડી ગયા હતા. જેથી તેઓએ બસના ડ્રાઈવરને ઉભી રાખવા જણાવતા બસ ઉભી રાખી હતી. તેઓએ નીચે જઈ જોતા સુનીલભાઈને મોઢાના ભાગે તથા માથાના ભાગે શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેઓએ સુનીલભાઈને ઉંચકીને બસમાં બેસાડીને લકઝરી બસના ડ્રાઈવરે લુણાવાડા સરકારી દવાખાને રોડ ઉપર ઉતારી બસ લઈ મોડાસા તરફ જતો રહ્યો હતો. સુનીલભાઈને દવાખાને લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની ભેમજીભાઈ વિઠ્ઠલભાઈ યાદવે ફરિયાદ નોંધાવતા લુણાવાડા પોલીસે લકઝરી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.