ચાર વર્ષનાં અંતરાલ પછી ચીન બંને દેશો વચ્ચે સીધી પેસેન્જર ફ્લાઈટ્સ શરૂ કરવા ભારત પર દબાણ કરી રહ્યું છે પણ ભારતે તેના ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ પછી ચીનના આ આમંત્રણને ફગાવી દીધું છે.
ભારત અને ચીન વચ્ચે જૂન ૨૦૨૦માં લદાખ ખાતે ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ખેલાયેલા લોહિયાળ સશસ્ત્ર અથડામણ પછી બંને દેશો વચ્ચેનાં સંબંધોમાં કડવાશ આવી છે. સંબંધો તંગદિલીભર્યા થયા છે અને વણસ્યા છે. આ પછી બંને દેશ દ્વારા તેમની સીમામાં સૈનિકોની ભારે ફોજ ખડકી છે. ભારતનાં એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, ચીન ભલે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ થાય તેમ ઇચ્છતું હોય પણ જ્યાં સુધી ચીન દ્વારા સરહદે શાંતિ સ્થપાશે નહીં ત્યાં સુધી બંને દેશોનાં સંબંધો સુધરશે નહીં.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વકર્યા પછી ચીનની કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવાનું મુશ્કેલ બન્યું છે. ભારતે ચીનની અનેક લોકપ્રિય એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાક પેસેન્જર રૂટસ પરની ફ્લાઈટ્સ પણ બંધ થઈ ગઈ છે. જો કે એશિયાનાં આ બંને મોટા દેશ વચ્ચે સીધી કાર્ગો ફ્લાઈટ્સ ચાલુ રહી છે તે આવકાર્ય છે. સીધી ફ્લાઈટ્સ બન્ને દેશ માટે લાભદાયક છે પણ ભારતનું એવિએશન સેક્ટર તેજીમાં છે જ્યારે કોરોના પછી ચીન માટે વિદેશી પ્રવાસમાં રિકવરી ધીમી અને અઘરી છે. ચીનનાં વિદેશ પ્રધાને ગયા અઠવાડિયે જ આશા વ્યક્ત કરી હતી કે ભારત દ્વારા વહેલામાં વહેલી તકે સીધી લાઇટસ શરૂ કરવામાં આવશે. સીધી ફ્લાઈટ્સ શરૂ કરવાનું બંને દેશના હિતમાં છે.
૨૦૧૯માં ભારત અને ચીન વચ્ચે ૫૩૯ સીધી ફ્લાઈટ્સ ઊડતી હતી. જેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા, ચાઈના સધર્ન, ચાઈના ઈસ્ટર્ન, એર ચાઈના અને શાનડોંગનો સમાવેશ થાય છે. ભારતની એરલાઇન્સો દ્વારા ૧૬૮ ફ્લાઈટ્સ કાર્યરત હતી.