મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિમાં સીએમ પદને લઈને ખેંચતાણ

મહારાષ્ટ્રમાં લોક્સભા ચૂંટણીમાં જીત બાદ મહાવિકાસ અઘાડીના નેતાઓ ઉત્સાહિત છે. કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદચંદ્ર પવારે સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. બીજી તરફ એનડીએ ગઠબંધન મહાગઠબંધનમાં સીએમ પદ માટે અજિત પવાર જૂથ, શિંદે જૂથ અને ભાજપ વચ્ચે જંગ છે. મહાયુતિના પક્ષો પણ બેઠકોની વહેંચણીને લઈને પોત-પોતાની અલગ-અલગ માંગણીઓ કરી રહ્યા છે.

બીજી તરફ એનસીપીના વડા શરદ ચંદ્ર પવારે ગુરુવારે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે સાથે ચૂંટણી લડીશું. બીજી બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. શરદ પવારે કહ્યું કે તેમણે મહારાષ્ટ્રની ૧૮ મુલાકાત લીધી. તેમણે ૧૮ સ્થળોની મુલાકાત લીધી હતી, તેમાંથી ૧૦માં તેમના ઉમેદવારની હાર થઈ હતી. જ્યારે હું દિલ્હી જઈશ ત્યારે હું તેમને કહીશ કે તમે જ્યાં ગયા ત્યાં તમારા ઉમેદવારો હારી ગયા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમારે વધુ સ્થળોએ પહોંચવું જોઈએ. શું થયું? આપણે એ જોવું પડશે. વડાપ્રધાન ઘણી જગ્યાએ ગયા અને મારી ગેરંટી માંગવા લાગ્યા. ગેરંટી કામ ન કરી. અમે ૪૮માંથી ૩૦ સીટો જીતી.

તમને જણાવી દઈએ કે લોક્સભા ચૂંટણીમાં ભાજપને ઓછી સીટો મળી છે. એ હારની જવાબદારી લેતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, પાર્ટી નેતૃત્વએ તેમને નાયબ મુખ્યમંત્રી પદ પર ચાલુ રાખવા કહ્યું હતું. આ પછી મહારાષ્ટ્ર ભાજપના નેતાએ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક યોજી હતી.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર, પંકજા મુંડે, મંત્રી સુધીર મુનગંટીવાર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિત ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં રાજ્યનું નેતૃત્વ મહારાષ્ટ્રમાં નિયમિત કોર કમિટી અથવા રાજ્ય સંસદીય બેઠક કેમ નથી યોજી રહ્યું? એવો સવાલ સીધો જ પૂછાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તે જ સમયે, સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય નેતૃત્વને ચેતવણી આપવામાં આવી છે કે કોઈએ એકલા નિર્ણયો ન લેવા જોઈએ.

દિલ્હીમાં રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓની બેઠકમાં લોક્સભા અને વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવી હતી. લોક્સભા ચૂંટણી પહેલા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યમાં મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા હતા. જો કે, કેન્દ્રીય નેતૃત્વ પાર્ટીના પ્રદર્શનથી ખુશ નથી કારણ કે તેને માત્ર ૯ લોક્સભા બેઠકો મળી છે. તેથી પાર્ટી હાઈકમાન્ડે આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રીના ચહેરા વગર લડવાની રણનીતિ બનાવી છે.

મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું છે કે મુખ્યમંત્રી પદ અંગેનો નિર્ણય પાર્ટી નેતૃત્વ અને સહયોગીઓ દ્વારા લેવામાં આવશે. જો કે હજુ પણ ભાજપ મુખ્યમંત્રીના ચહેરા વગર જ ચૂંટણી લડશે. દરમિયાન, કોર કમિટીની બેઠક પછી, મુંબઈ ઉત્તર લોક્સભા બેઠક પરથી જીતેલા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે પાર્ટીએ ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના નેતૃત્વમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં લોક્સભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ કરતા પાછળ રહી ગઈ હતી. વિધાનસભામાં ભાજપના ૧૦૦થી વધુ ધારાસભ્યો છે. પરંતુ, લોક્સભામાં ભાજપના ૯ અને કોંગ્રેસ પાસે ૧૩ સાંસદો છે. અપક્ષ વિશાલ પાટીલના કારણે કોંગ્રેસનો આંકડો ૧૪ પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ફડણવીસના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ ઘણી ઓછી છે.