કેનેડાનો ખાલિસ્તાન પ્રેમ

કેનેડાનો ખાલિસ્તાન પ્રેમ

કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતની પહેલી વરસી પર જે રીતે મૌન પાળી તેને શ્રદ્ઘાંજલિ આપી, તે આતંકવાદનું બેશરમીથી કરાતું મહિમામંડન છે. એક આતંકી પ્રત્યે આંસુ વહાવીને માત્ર ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે નરમીનો પરિચય નથી આપવામાં આવ્યો, બલ્કે એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કેનેડા સરકાર સંકીર્ણ રાજકીય લાભ માટે ભારત સાથે સંબંધ બગાડવા તત્પર છે. કેનેડા સરકારની આ હરક્તથી એ પણ સ્પષ્ટ છે કે થોડા દિવસ પહેલાં ત્યાંના વડાપ્રધાન જસ્ટિન ટહડોએ ઇટલીમાં ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં સુધારને લઈને જે કંઈ કહ્યું હતું, તે છેતરપિંડી હતી અને તેઓ ખાલિસ્તાની આતંકીઓ-અતિવાદીઓના પ્રભાવમાં આવીને આંતરરાષ્ટ્રીય કૂટનીતિક મર્યાદા પણ ભૂલી ચૂક્યા છે.

કેનેડાની સંસદે જે હરદીપ સિંહ નિજ્જરને યાદ કર્યો, તે એ જ છે, જેને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો અને જે બનાવટી દસ્તાવેજો સાથે કેનેડા ભાગી ગયો હતો. ખાલિસ્તાની આતંકીઓની આંતરિક લડાઈમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ કેનેડા સરકારે કોઈ પુરાવા વિના તેનો દોષ કથિત ભારતીય એજન્ટ પર નાખી દીધો. માન્યું કે જસ્ટિન ટહડોની અલ્પમત સરકાર ખાલિસ્તાની ચરમપંથી જગમીત સિંહના નેતૃત્વવાળા પક્ષના સમર્થનથી સત્તામાં ટકેલી છે, પરંતુ તેનો એ મતલબ નહીં કે તે ભારતમાં અલગતાવાદ અને આતંકવાદની તરફદારી કરનારાં તત્ત્વોની કદમબોશી કરે. ટહડોએ એવું કરીને ભારત સાથે સંબંધ ખરાબ કરવાની સાથે જ કેનેડાની છબિ અને આંતરિક સુરક્ષા માટે પણ ખતરો પેદા કર્યો છે.

એ કોઈથી છૂપું નથી કે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની કઈ રીતે નશીલા પદાર્થોની તસ્કરીમાં લિપ્ત છે અને તેમના ઇશારે પંજાબમાં ટાર્ગેટ કિલિંગ થતું રહે છે. જસ્ટિન ટહડો એનાથી અજાણ ન હોઈ શકે કે ખાલિસ્તાની આતંકીઓએ કઈ રીતે એર ઇન્ડિયાના વિમાન કનિષ્કને બોમ્બથી ઉડાવી દીધું હતું, જેમાં ત્રણસોથી વધુ લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટાભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા, તેમ છતાં કેનેડા સરકારે આ ભયાવહ આતંકી ઘટનાની યોગ્ય રીતે તપાસ નહોતી કરી અને એટલે જ માત્ર એક ખાલિસ્તાની આતંકીને મામૂલી સજા થઈ હતી. એ સારું થયું કે વેંકૂવર સ્થિત ભારતીય દૂતાવાસ ૨૩ જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાની વરસી પર એક આયોજન કરવા જઈ રહ્યું છે. એથી પણ સારું એ થશે કે નવી લોક્સભામાં પણ આ ઘટનાને યાદ કરીને કેનેડા સરકારને નીચાજોણું કરાવવામાં આવે. કેનેડા સરકાર પ્રત્યે સખ્તાઈનો પરિચય આપવો એટલા માટે જરૂરી છે, કારણ કે કેનેડામાં ખાલિસ્તાની અતિવાદી ખુલ્લેઆમ ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. તેઓ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો, તેમનાં ધાર્મિક સ્થળો અને રાજદ્વારીઓની સુરક્ષા માટે પણ ખતરો બની ગયા છે.