ચીન પોતાની હરક્તોથી બાજ નથી આવી રહ્યું છે. હાલમાં ફરી એકવખત ચીને ગલવાન જેવી ભૂલ કરી છે. ચીનના સૈનિકો દ્વારા પડોશી દેશના સૈનિકો પર ખતરનાક હુમલો કરવામાં આવ્યો હતો. અન્ય દેશોની ધરતી પર ખરાબ નજર રાખનાર ચીને દક્ષિણ ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું પુનરાવર્તન કર્યું છે. ચીનના સૈનિકો પર તેમના પડોશી રાષ્ટ્ર ફિલિપાઈન્સની નૌકાદળ પર છરીઓ અને કુહાડીઓથી હુમલો કરવાનો અને ભારે લૂંટ કરવાનો આરોપ છે. ફિલિપાઈન્સ સેનાએ ચીની સૈનિકોના આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. ફિલિપાઈન્સના અધિકારીઓએ ચીનની ટીકા કરી અને તેને ચાંચિયાગીરી ગણાવી.
વીડિયોમાં ચીની સૈનિકોની લૂંટ જોઈ શકાય છે. તેઓ ફિલિપાઈન્સના સૈનિકો પર ચાકુ અને કુહાડીથી હુમલો કરી રહ્યા છે. બુધવારે ફિલિપાઈન્સના સૈન્ય વડાએ માંગ કરી હતી કે ચીન વિવાદિત તટીય વિસ્તારમાં ચીની કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા શો અને સાધનો પરત કરે અને હુમલાથી થયેલા નુક્સાનની ભરપાઈ કરે. તેમણે હુમલાની તુલના દક્ષિણ ચીન સાગરમાં ચાંચિયાગીરીની ઘટનાઓ સાથે કરી હતી. ફિલિપાઈન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે આઠથી વધુ મોટરબોટ પર સવાર ચાઈનીઝ કોસ્ટ ગાર્ડના જવાનો વારંવાર ઘૂસીને બે ફિલિપાઈન નૌકાદળની બોટ પર ચઢી ગયા હતા.
ફિલિપાઈન સૈન્ય દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ચીની સૈનિકો બે ફિલિપાઈન નૌકાદળની બોટને ચાકુ લઈને ફરતા અને ફિલિપાઈન નૌકાદળના કર્મચારીઓ અને તેમના જહાજો પર હુમલો કરતા જોઈ શકાય છે. બંને બાજુના સૈનિકો એકબીજા પર બૂમો પાડે છે. સાયરન વાગતા સાંભળી શકાય છે. ચાઈનીઝ કર્મચારીઓ ફિલિપાઈન્સની બોટોને તોડફોડ કરવાનો પ્રયાસ કરે છે.
ફિલિપાઈન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીનના કોસ્ટ ગાર્ડના જવાનોએ ફિલિપાઈન નૌકાદળના જવાનોને દક્ષિણ ચીન સાગરમાં તેમની બોટમાંથી અટકાવ્યા હતા. ચીન આ વિસ્તારોને પોતાના હોવાનો દાવો કરતું રહ્યું છે. ચીની સૈનિકોએ પહેલા ફિલિપિનો સૈનિકોની નૌકાઓ પર હુમલો કર્યો અને પછી તેમના હથિયારો સાથે તેમની બોટમાં કૂદી પડ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની જવાનોએ બોટ કબજે કરી હતી અને ફિલિપાઈન્સના સૈનિકો પર હુમલો કર્યો હતો. ચીની સૈનિકોએ તેમની સેનાના ઘણા સાધનો અને આઠ એમ૪ રાઈફલો પણ લૂંટી લીધી હતી.
ફિલિપાઈન આર્મ્ડ ફોર્સના ચીફ જનરલ રોમિયો બ્રોનર જુનિયરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચીની સૈન્યએ જે કર્યું તે ભૂલી શકાય નહીં. દક્ષિણ ચીન સાગરમાં આ એક પ્રકારની લૂંટ હતી. આ પ્રકારની ઘટના ન થવી જોઈતી હતી. અમે ચીનને તેના શો પરત કરવાની માંગણી કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે તેઓએ અમારા જહાજો પર છરી વડે હુમલો કર્યો. હથોડાથી વહાણોને નુક્સાન થયું હતું. આ હુમલામાં ફિલિપિનો નેવીના કેટલાય જવાનો ઘાયલ થયા હતા. લડાઈમાં એકનો જમણો અંગૂઠો કપાઈ ગયો હતો.