રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે (૨૦ જૂન) સર્જાયેલા ત્રણ જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ગોંડલના ઘોઘાવદર ગામ નજીક બે કાર સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યાં છે અને પાંચ લોકોને ઇજા પહોંચી છે. જામનગરમાં રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગરના મુળી ગઢાદ રોડ ઉપર ઈકો અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગોંડલના ઘોઘાવદર ગામ પાસે ટ્રકની ઓવરટેક કરવા જતા ઈનોવા કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. જેમાં બન્ને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
જામનગરના દરેડ વિસ્તારમાં આજે સવારે રીક્ષાને બોલેરોએ ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ફંગોળાઈને બાઈક સાથે અથડાઈ હતી. આ ત્રીપલ અકસ્માતમાં બાઈકના ચાલક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા પાંચ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ અકસ્માત સર્જીને ભાગી છુટેલા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના મુળી ગઢાદ રોડ ઉપર ઈકો અને બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ શરૂ કરી હતી.