ચંડીગઢ,
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગે પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પર પંજાબને કંગાળ અને દેવાદાર બનાવવાનો આરોપ લગાવ્યો છે.ચુગે રાજયની ભગવંત માન સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે મુખ્યમંત્રી ગુજરાત ચુંટણીમાં વ્યસ્ત છે પરંતુ આ દરમિયાન પંજાબની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે.
તરૂણ ચુગે આપ સરકારની ટીકા કરતા કહ્યું કે ચુંટણીના સમયે પંજાબને રંગીલુ પંજાબ બનાવવાની વાત કહેનારા માન પંજાબને કંગાળ બનાવવામાં લાગી ગયા છે.તેઓ પહેલા દાવો કરતા હતાં કે પંજાબમાં સત્તામાં આવતા જ પંજાબને દેવામાંથી મુકતિ અપાવીશું અને દરેક મહિલાને એક હજાર રૂપિયા દર મહીને આપીશું જયારે હકીકત એ છે કે જયારથી આ સરકાર સત્તામાં આવી છે ત્યારથી પંજાબ પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે.
ભાજપના મહામંત્રી ચુગે આરોપ લગાવ્યો કે સત્તામાં આવ્યા બાદ આપ સરકારે ૨૫ હજાર કરોડ રૂપિયાનું દેવું કર્યું છે જો દેવાની આ ગતિ જારી રહી તો આપ સરકાર પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પંજાબ પર અઢી લાખ કરોડ રૂપિયાનું દેવુ વધુ લગાડશે.
ચુંગે કહ્યું કે આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર ન તો રાજયની અર્થવ્યવસ્થાને સંભાળી શકયા છે અને ન તો રાજયની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ,તેમણે મુખ્યમંત્રીને ખોટો ખર્ચ બંધ કરવા અને પ્રચાર પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે તેને બંધ અને ચુંટણી રાજયોના પ્રવાસ ઓછા કરી પંજાબની કાયદો અને વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા પર યાન આપવાની પણ અપીલ કરી છે.