૨૫મીએ રાજકોટ બંધની વેપારીઓને અપીલ, સોશ્યલ મીડિયામાં ફરતી થઇ કોંગ્રેસની પત્રિકાઓ

રાજકોટ ટીઆરપી ગેમઝોન મુદ્દે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય અપાવવાના કારણ સાથે કોંગ્રેસે ૨૫ જૂને રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે. આ દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ૨૫ જુને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી તમામ શહેર અને જિલ્લા પ્રમુખોને આદેશ કરવામાં આવ્યો છે. બંધને સફળ બનાવવા પ્રદેશના નેતાઓ રાજકોટ પહોંચશે. બંધમાં સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજકોટની ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ છે.. જેને લઇને કોંગ્રેસે આ જાહેરાત કરી છે.. અને બંધમાં સહકાર આપવા અપીલ કરતી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાનો રિપોર્ટ આજે સરકારને સોંપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરશે. જે બાદ રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે… ઉલ્લેખનીય છે કે, ૨૫ મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી. જેમાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરી હતી. ગેમઝોન અગ્નિકાંડમાં મામલામાં હવે મોડે મોડે રાજકોટ મહાનગરપિલાકા પણ જાગી છે. મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરે ૩૫ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. જેમાં ટાઉન પ્લાનિંગ શાખાના મોટાભાગના કર્મચારીઓની બદલી કરાઈ છે.ટાઉન પ્લાનિંગ શાખાના ૧૨ કર્મચારીઓને બદલીના આદેશ અપાયા છે, બાંધકામ વિભાગના ૧૩ કર્મચારીઓની પણ બદલી કરાઈ છે. વોટર વર્ક્સના ૭ કર્મચારીઓને પણ બદલીના આદેશ પકડાવવામાં આવ્યા છે.