બે કાર વચ્ચે થયો ભીષણ અકસ્માત, એક મહિલા સહિત ૨ ના મોત

ગોંડલ જસદણ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી આજે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત ૨ ના મોત નિપજ્યા છે. જ્યારે ૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી પ્રમાણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવને લઈને ૪ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ સહિતના સામાજિક કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રાઇબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી. ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી, જેમાં બંને કાર પલ્ટી મારી જવા પામી હતી. વિગતે વાત કરવામાં આવે તો, ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાં ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,આ સાથે કારમાં સવાર રેહાનાબેન અસરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી ઉ.વ.૫૦, હાજી હુસેનભાઈ ખીમાણી ઉ.વ.૭૦, અને સેજાનભાઈ ખીમાણી. જ્યારે ગોંડલ તરફથી આવતી ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર (ઉ.વ. ૨૫) અને તેજસ રવજીભાઈ પાનસુરીયા (ઉ.વ.૨૫)ને ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા