રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં ગત તા. ૨૫ મેના રોજ લાગેલી ભીષણ આગ અને ૨૭ લોકોના મૃત્યુની ઘટના અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસના દૌર ચાલી રહ્યા છે ત્યારે બનાવ બાદ તુરંત રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો અંતિમ રીપોર્ટ આજે સરકારને કમીટી સુપ્રત કરી દેવાની છે. તો આ બાદ બનાવવામાં આવેલી ત્રણ આઇએએસ ઓફિસરની હાઇપાવર કમીટી સરકારને ૩૦ જુન સુધીમાં રીપોર્ટ સોંપનાર છે. સમગ્ર અગ્નિકાંડ માટે કોની સૌથી મોટી જવાબદારી છે તેનો ઉલ્લેખ આજના રીપોર્ટમાં થયો હોવાનું માનવામાં આવે છે. આ રીપોર્ટ હાઇકોર્ટમાં પણ રજૂ કરવાનો હોય, અહેવાલ બાદ વધુ કડાકાભડાકા થવાની શકયતા નકારાતી નથી.
રાજકોટ ગેમઝોન-અગ્નિકાંડ પ્રકરણમાં સમગ્ર ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ હતી. જેના પ્રાથમિક રિપોર્ટના આધારે રાજય સરકારે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા રાજકોટ પોલીસ કમિશ્ર્નર તથા મ્યુનિસિપલ કમિશ્ર્નરની તાકીદે બદલીના હુકમો કર્યા હતા. હવે આ સીટનો અંતિમ સંપૂર્ણ રીપોર્ટ રાજય સરકારને સુપ્રત થશે. જેને રાજય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજુ કરાશે.
રાજય સરકારે સીટની રચના ઉપરાંત પણ ૩ આઇએએસ ઓફિસરોને સામેલ કરતી હાઇપાવર કમીટીની પણ રચના કરી છે. જેનો રીપોર્ટ સરકારને ૩૦મી જુને પ્રાપ્ત થશે. રાજય સરકાર આ બંને રિપોર્ટસનો અભ્યાસ કર્યા બાદ ઝડપથી આ અગ્નિકાંડ માટેના તમામ જવાબદારો સામે પગલા ભરશે.
રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત બાદ રાજય સરકાર અને તંત્રની સામે સ્થાનિક પ્રજાજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તે ઘટનાની રાત્રે જ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે સીટની રચના કરીને તાત્કાલીક રીપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઘટનાના બીજા દિવસની વહેલી સવારે રાજકોટ પહોંચી ગયા હતા અને તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી.
દરમ્યાનમાં સરકાર દ્વારા રચિત સીટની કાયવાહી સામે જ સવાલો પેદા થયા હતા. જેમાં હાઇકોર્ટ દ્વારા પણ કરાયેલા સુઓમોટો સુનાવણીમાં સરકારને હાઇપાવર કમીટીની રચનાની સલાહ અપાઇ હતી. જેના પગલે સીટ ઉપરાંતની તપાસ માટે અન્ય એક હાઇપાવર કમીટીની રચના કરવામાં આવી હતી.
સીટનો સંપૂર્ણ વિગતવાર રીપોર્ટ રજુ થવાનો છે ત્યારે આ રીપોર્ટમાં અગ્નિકાંડ માટે કોને જવાબદાર માનવામાં આવ્યા છે અને કોની સામે કેવા પગલા સૂચવાયા છે. તેના ઉપર સૌ કોઇની નજર છે. તે દરમ્યાન સરકાર દ્વારા રચિત હાઇપાવર કમીટીનો રીપોર્ટ પણ ૩૦મી જુને રાજય સરકારને મળી જશે. તેના અભ્યાસના અંતે સરકાર કોની સામે કેવા પગલા ભરશે તે આગામી સમયમાં જાણી શકાશે.