સુરતમાં સગીરાનું ગર્ભપાત બાદ મોત, સગીરાના બેન બનેવીની પોલીસે ધરપકડ કરી

સુરત,

સુરતની સચિન જીઆઇડીસીમાં ગેરકાયદે ગર્ભપાત બાદ સગીરાના મોત કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે. સુરત પોલીસે ગર્ભપાત માટે લઈ જનારા સગીરાના બેન-બનેવી અને તબીબની ધરપકડ કરી છે. ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી ક્લિનીક એન્ડ હોસ્પિટલના ડૉ. હિરેન પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ તબીબે જ ગેરકાયદે ગર્ભપાત કરાવ્યો હતો. ડો. હિરેન પટેલે ૫ હજાર રૂપિયામાં ગર્ભપાત કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક સગીરાને સચિન જીઆઈડીસીમાં રહેતા એક યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.

સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પોલીસે બળાત્કાર, પોક્સો, મનુષ્યવધ, ગર્ભપાતની કલમો અને મેડિકલ ટમનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની કલમો હેઠળ સગીરાની બહેન-બનેવી, ઉધનાના હોમોપેથિક ડોક્ટર તેમજ અન્ય યુવક સામે ગુનો નોંયો છે. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસે સગીરાના બેન-બનેવી અને ડોકટર હિરેન ભાનુભાઈ પટેલ(૩૭)(રહે,શાલીગ્રામ હાઇટ્સ, અલથાણ, મૂળ રહે,પાલીતાણા, ભાવનગર)ની ધરપકડ કરી છે.