પંજાબમાં ૧૦ હજાર પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે, મુખ્યમંત્રીએ જાહેરાત કરી

પંજાબ પોલીસની કાર્યક્ષમતા વધારવા માટે વિભાગમાં ૧૦ હજાર નવી જગ્યાઓ બનાવવામાં આવશે અને તેની ભરતી કરવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડ્રગ સ્મગલરો પર કાર્યવાહી કરવા માટે તમામ એસએસપી સાથેની બેઠક બાદ આ જાહેરાત કરી છે. એક તરફ આનાથી આવનારા સમયમાં ગુનાખોરી રોકવામાં મદદ મળશે તો બીજી તરફ યુવાનો માટે રોજગારીની તકો ઉભી થશે.

સીએમ માને પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે ડ્રગ્સ સ્મગલરોની ધરપકડ કર્યા બાદ તેમની મિલક્તો એક સપ્તાહની અંદર જપ્ત કરવામાં આવે. સીએમ માને તેમના નિવાસ સ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, સરકારે નશાની લતને જડમૂળથી દૂર કરવા માટે બહુપક્ષીય વ્યૂહરચના બનાવી છે, જે અંતર્ગત સરકાર પોલીસ વિભાગમાં ઘણા સુધારા કરવા જઈ રહી છે. ઘણા નિમ્ન કક્ષાના પોલીસ કર્મચારીઓ ડ્રગ્સના દાણચોરો સાથે મિલીભગત હોવાનું બહાર આવ્યું છે.

આ જ કારણ છે કે લાંબા સમયથી એક જ જગ્યાએ તૈનાત પોલીસ કર્મચારીઓની નીચલા સ્તરે મોટા પાયે બદલીઓ કરવામાં આવી રહી છે. વિવિધ ડિવિઝનમાં તૈનાત ૧૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને તૈનાતમાં રોટેશનની પ્રક્રિયા ચાલી રહી છે.

જે પોલીસ અધિકારી-કર્મચારીઓ ડ્રગ્સ સ્મગલરો સાથેની મિલીભગત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. સીએમ માને કહ્યું કે જો કોઈ ડ્રગ્સની દાણચોરી કરતા પકડાશે તો તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. જરૂર પડશે તો અમે વિધાનસભામાં પણ આ અંગે પ્રસ્તાવ લાવીશું, જેથી કડક કાર્યવાહીની જોગવાઈ કરી શકાય.

તેમણે કહ્યું કે અત્યાર સુધી સુરક્ષા દળોએ અકસ્માતો બાદ બે હજારથી વધુ કિંમતી જીવ બચાવ્યા છે. ડ્રગની દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરતા દાણચોરો, ગેંગસ્ટરો અને આતંકવાદીઓ સાથે વ્યવહાર કરવા માટે વિગતવાર વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ દેશની ડ્રગ્સ સામેની લડાઈ લડી રહ્યું છે અને આ કાર્ય માટે કોઈ ક્સર બાકી રાખવામાં આવશે નહીં. માને કહ્યું કે પંજાબમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું નથી, પરંતુ અન્ય રાજ્યો અને સરહદ પારથી ડ્રગ્સ આવે છે. તેમણે કહ્યું કે પંજાબને આ રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના બંદરો પરથી ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના પ્રદેશ અયક્ષ સુનીલ જાખડ સત્તામાં ભાગીદાર ન થવાને કારણે નિરાશ છે. તેમણે કહ્યું કે તેઓ રાજ્ય સરકાર વિરુદ્ધ પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે લાંબા સમયથી ચૂંટણી આચારસંહિતા લાગુ થવાને કારણે રાજ્યમાં વિકાસના કામોમાં અડચણ ઊભી થઈ રહી છે, જે હવે નહીં થાય.