ટી ૨૦ વર્લ્ડ કપમાં હવે મેચ ફિક્સિંગનું ભૂત ધણધણ્યું, યુગાન્ડાના ખેલાડીએ આઇસીસીને ફરિયાદ કરી

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. પરંતુ આ દરમિયાન મેચ ફિક્સિંગનો એક મોટો મામલો સામે આવ્યો છે. યુગાન્ડાના એક ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને ફરિયાદ કરી છે કે તેને અજાણ્યા નંબર પરથી અનેક કોલ આવ્યા છે.

ક્રિકેટમાં મેચ ફિક્સિંગ જેવી બાબતો હજુ પણ આઇસીસી માટે મોટો માથાનો દુખાવો બની રહી છે. ટી ૨૦ વર્લ્ડ કપમાં ફરી એકવાર આ મામલો સામે આવ્યો છે. કેન્યાના ભૂતપૂર્વ ક્રિકેટરે યુગાન્ડાના ખેલાડીને અલગ-અલગ નંબરથી ફોન કરીને ફિક્સિંગની ઓફર પણ કરી હોવાનું બહાર આવ્યું છે. જો કે,આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ)એ તરત જ મામલો થાળે પાડ્યો હતો.

આ ઘટના ગયાનામાં વર્લ્ડ કપ લીગ સ્ટેજની મેચો દરમિયાન બની હતી, જ્યાં કેન્યાના ભૂતપૂર્વ ઝડપી બોલરે યુગાન્ડાની ટીમના સભ્યનો અલગ-અલગ નંબર પરથી વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

યુગાન્ડાના ખેલાડીએ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલનું પાલન કર્યું અને ત્યાં હાજર એસીયુ અધિકારીઓને જાણ કરી. અધિકારીઓએ આના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ સહયોગી ટીમોને કેન્યાના આ ભૂતપૂર્વ ખેલાડી વિશે સતર્ક રહેવા કહ્યું.

એક સૂત્રે જણાવ્યું કે, ‘તે આશ્ર્ચર્યજનક નથી કે વ્યક્તિએ યુગાન્ડાની રાષ્ટ્રીય ટીમના ખેલાડીને નિશાન બનાવ્યા. મોટી ટીમો કરતાં નાના દેશો આસાન લક્ષ્યાંક છે, પરંતુ આ કિસ્સામાં ખેલાડીએ ટૂંક સમયમાં આઇસીસીસીને જાણ કરીને સારું કામ કર્યું. ભ્રષ્ટ ઓફરની જાણ કરવામાં નિષ્ફળતા એ આઇસીસી એન્ટી કરપ્શન કોડ હેઠળ ગુનો છે. અન્ય ગુનાઓમાં મેચ ફિક્સિંગ, રમત પર સટ્ટો રમવો, અંદરની માહિતીનો દુરુપયોગ અને તપાસમાં અસહકારનો સમાવેશ થાય છે.

યુગાન્ડાએ ટી ૨૦ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત પાપુઆ ન્યૂ ગિની સામેની જીત સાથે કરી હતી પરંતુ તે પછી તેને અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે ગયાનામાં તેની ચારમાંથી ત્રણ મેચ રમી હતી. ‘ખેલાડીઓ, ખાસ કરીને નાના દેશોના ક્રિકેટરોનો હંમેશા સંપર્ક કરવામાં આવે છે.ટી ૨૦ વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધાઓમાં વધુ સાવધાની રાખવામાં આવે છે અને જો આઇસીસી એસીયુને કોઈ ઓફરની માહિતી આપવામાં આવે છે તો પ્રોટોકોલ મુજબ યોગ્ય તપાસ કરવામાં આવે છે. મોટી સ્પર્ધાઓમાં ભ્રષ્ટ ઓફરની આ પહેલી ઘટના નથી. ભારતમાં રમાયેલા ૨૦૧૧ વનડે વર્લ્ડ કપ દરમિયાન, કથિત બુકીઓએ કેનેડિયન વિકેટકીપર હમઝા તારિકનો સંપર્ક કર્યો હતો, જેણે તરત જ અધિકારીઓને જાણ કરી હતી.