ઓવલ મેદાનમાં ભારતીય ટીમ માટે અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ટી ૨૦ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગ્રુપ-એની તમામ મેચો જીતીને ટીમે સુપર-૮માં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ સુપર-૮ની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ આવતીકાલે એટલે કે ૨૦ જૂને કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે યોજાવાની છે. હવે વાત એમ છે કે ટીમ ઈન્ડિયા આ મેદાન પર એક પણ વખત જીતવામાં સફળ રહી નથી.

ભારતે છેલ્લે ૨૦૧૦માં આ મેદાન પર ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હવે આવતીકાલે પણ ભારત માટે પિચ એક મોટો પડકાર બની રહેવાની છે, કારણ કે ન્યૂયોર્કમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી મેચ રમ્યું હતું. કેરેબિયન દેશમાં આ પ્રથમ મેચ હશે. ટીમ ઈન્ડિયાએ આ સ્ટેડિયમમાં અત્યાર સુધી ૨ મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય ટીમે આ બંને મેચ વર્ષ ૨૦૧૦માં રમી હતી, જેમાં એક મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે ૪૯ રને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૪ રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હાલ ચાલી રહેલા ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સામે જીત મુશ્કેલ બની શકે છે. જો કે પ્લસ પોઈન્ટ એ છે કે ભારતીય ટીમ ૧૪ વર્ષ બાદ આ મેદાન પર ટી૨૦ મેચ રમશે એટલે ઘણો બદલાવ જોવા લઈ શકે છે.

આ પછી ભારતીય ટીમ બીજી મેચ ૨૨ જૂને એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમવાની છે, અહીં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે ૨૪ જૂને સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની છે, જ્યાં અત્યાર સુધી ત્રણ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં ૨ મેચ જીતી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

જણાવી દઈએ કે સુપર ૮ માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ગ્રુપ એમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા અને ગ્રુપ બીમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બંને ગ્રૂપમાંથી બે-બે ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે તો ટીમ ઇન્ડિયા ૨૭ જૂને ગયાનામાં મેચ રમશે.