બાબા વિશ્વનાથ ના ભક્તોએ નવો રેકોર્ડ બનાવ્યો, માત્ર પાંચ મહિનામાં ૨.૮૬ કરોડ ભક્તોએ દર્શન કર્યા

શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. આ વર્ષે, છેલ્લા પાંચ મહિનામાં આવનારા ભક્તોની સંખ્યામાં ન તો ફક્ત માત્ર રેકોર્ડ તોડ્યો છે, પરંતુ બાબા વિશ્વનાથની આવકમાં ૩૩ ટકાનો રેકોર્ડ વધારો નોંધવામાં આવ્યો છે.જાન્યુઆરીથી મે ૨૦૨૩ના પાંચ મહિનામાં કાશી મહાદેવના દર્શન કરવા આવેલા ભક્તોની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના સમાન સમયગાળામાં દર્શનનો લાભ લેવા આવતા શિવભક્તોની સંખ્યામાં ૪૮.૨૩ ટકાનો વધારો થયો છે.

એવું માનવામાં આવે છે કે શ્રી બાબા વિશ્વનાથ ના દરબારમાં વધેલી સુવિધાઓને કારણે દર્શનનો લાભ લેનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અન્ય શહેરો સાથે સારી કનેક્ટિવિટીથી કાશીના ધાર્મિક પર્યટનમાં પણ વધારો થયો છે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્ર્વભૂષણ મિશ્રાએ જણાવ્યું કે ૧ જાન્યુઆરીથી ૩૧ મે, ૨૦૨૩ સુધીમાં ૧,૯૩,૩૨,૭૯૧ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા.જ્યારે વર્ષ ૨૦૨૪માં ૧ જાન્યુઆરીથી ૩૧ મે સુધી કુલ ૨,૮૬,૫૭,૪૭૩ ભક્તો બાબાના દરવાજે હાજર રહેવા શ્રી કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં ૯૩,૨૪,૬૮૨ વધુ ભક્તો આવ્યા હતા.તેમના મતે આ સમયગાળા દરમિયાન બાબાની આવકમાં પણ ૩૩ ટકાનો વધારો થયો છે. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદૃ્ઘાટન કર્યું હતું.