આસામમાં ભારે વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં ભારે પુર આવ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ૧૧ રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના ૧૪ જિલ્લામાં પૂરથી ૧.૦૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, એકલા કરીમગંજ જિલ્લામાં લગભગ ૯૬,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
આ પછી, નાગાંવમાં લગભગ ૫,૦૦૦ લોકો પ્રભાવિત થયા છે અને ધેમાજીમાં ૩,૬૦૦ થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે. આસામના ભાગો અને પડોશી રાજ્યોમાં સતત વરસાદને કારણે શક્તિશાળી બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, બ્રહ્મપુત્રા નદીની ઉપ્નદી કોપિલી નદીનું જળ સ્તર પણ નાગાંવ જિલ્લાના કામપુરમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. કરીમગંજ જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ અનુસાર, ૨૦ જૂન સુધી આસામ અને મેઘાલય સહિત દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના ૩૦૯ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને રાજ્યભરમાં ૧,૦૦૫.૭ હેક્ટરમાં વાવેતર કરાયેલ પાકને નુક્સાન થયું છે. આસામની રાજધાની ગુવાહાટીના ઘણા વિસ્તારો પણ વરસાદને કારણે ડૂબી ગયા છે.
પૂરની સ્થિતિને યાનમાં રાખીને આસામ સરકારે ૧૧ રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. આ શિબિરોમાં ૩,૧૬૮ લોકોએ આશ્રય લીધો છે. અહેવાલ મુજબ રાજધાની ગુવાહાટીના અનિલ નગર અને ચાંદમારી વિસ્તારના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા હતા.
સિક્કિમમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી મુસાફરો ફસાયા હતા. મુસાફરો માટે સુરક્ષા દળો દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધી ૧૫ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. લાચુંગ અને મંગન જીલ્લાનાં ઉત્તરીય પ્રદેશોમાં ફસાયેલા મુસાફરોને બહાર કઢાયા હતા. મુસાફરો માટે વૈકલ્પિક રસ્તાની સુરક્ષા દળોએ વ્યવસ્થા કરી હતી. અત્યાર સુધી ૧૫ પ્રવાસીઓને બહાર કઢાયા છે.એનડીઆરએફ સહિતની ટીમ અને જીલ્લા પ્રશાસન મુસાફરોનાં રેસ્ક્યૂં માટે કામ કરી રહ્યા છે.
ઉત્તર ભારતમાં અત્યંત ગરમીનો પ્રકોપ જારી છે કુલર અને એસી કામ નથી કરી રહ્યા. જો કે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં આંધી અને વરસાદની આગાહી કરી છે, જેનાથી થોડી રાહત મળશે. જો કે હાલ તો ગરમી યથાવત રહેતા ચોમાસાની આશા ઠગારી નીવડી છે.હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. જમ્મુ, પંજાબ, એમપી, ઓડિશા, ઝારખંડ, બિહારમાં ઘણી જગ્યાએ ગરમીનો પ્રકોપ છે. હવામાન વિભાગે કહ્યું કે ૧૪ વર્ષ પછી આવી ગરમી આવી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન પણ વધીને ૩૩.૮ ડિગ્રી નોંધાયું હતું. અગાઉ ૨૦૧૮માં તે ૩૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. આગામી બે દિવસમાં તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.