જો અમને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન તોડવાનું વિચારી શકીએ છીએ,એનસીપી

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોમાં મહારાષ્ટ્રમાં ભાજપ સહિત એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને આરએસએસના ઘણા લોકોએ તેના માટે અજિત પવારના એનસીપી સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યા હતા. હવે એનસીપીએ પણ આ અંગે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો છે.

એનસીપીએ પણ ચેતવણી આપી છે કે જો અમને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન તોડીને અલગ રસ્તો અપનાવવા વિચારી શકીએ છીએ. એનસીપી નેતા અમોલ મિતકારીએ કહ્યું, ’અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો અજિત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે.

ખરેખર તો એવા અહેવાલો હતા કે પરિણામોની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ નબળા પરિણામો માટે અજિત પવાર જૂથ સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યું હતું. હવે એનસીપી નેતાઓ આ મામલે ભારે નારાજ થયા છે. એનસીપીના કેટલાક નેતાઓએ હાર માટે ભાજપ પર નિશાન સાયું છે. એક નેતાએ કહ્યું કે સંઘ સાથે જે થયું તે તેમનો પોતાનો મુદ્દો છે. અજિત પવારના કારણે ભાજપને કોઈ નુક્સાન થયું નથી. સંભવ છે કે ભાજપ સામે લોકોના ગુસ્સાથી અમને નુક્સાન થયું હોય. ભાજપના નેતાઓ સતત ૪૦૦ પાર કરવાની અને બંધારણ બદલવાની વાત કરતા હતા. કદાચ આને કારણે જ નુક્સાન થયું છે.

એનસીપી નેતાએ કહ્યું કે અજિત પવારનો ઓબીસી સમુદાયમાં ઘણો પ્રભાવ છે. આવી સ્થિતિમાં એનસીપીએ ડેમેજ કંટ્રોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ એવા છે કે જે મનમાં આવે તે જ બોલે છે. આવા નેતાઓના કારણે નુક્સાન પણ થયું છે. એનસીપીએ કહ્યું કે માત્ર અમે જ નહીં પરંતુ એકનાથ શિંદેની શિવસેના પણ માને છે કે ભાજપના નેતાઓના બેફામ નિવેદનો અને ૪૦૦ પારના નારાને કારણે આવા પરિણામો આવ્યા છે. જ્યારે એનસીપી નેતા સુનીલ તટકરેએ કહ્યું કે ગઠબંધનમાં બધુ બરાબર છે. અમે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે, જેમણે આવું કંઈ કહ્યું નથી.