જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કડાણા એકલવ્ય મોડેલ શાળા ખાતે વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

  • ભારત સરકાર સિકલસેલ એનિમિયાને -2047 સુધીમાં નાબૂદ કરવા કટિબધ્ધ છે.

મહીસાગર, સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બિમારી (જીનેટિક બ્લડ ડિસઓર્ડર) છે. જે મુખ્યત્વે આદિવાસી લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ 19 જૂનના રોજ વિશ્ર્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે મહીસાગર જીલ્લાના કડાણા એકલવ્ય મોડેલ શાળા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને જીલ્લા કલેકટર નેહા કુમારી અને જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં વિશ્ર્વ સિક્લ સેલ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે સિક્લસેલ રોગના દર્દીઓ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિકલસેલ સ્કીનીંગ ડ્રાઈવ 19 જુન થી 3 જુલાઈ 2024 સુધી યોજાનાર છે. સિકલસેલ રોગનાં કારણે સિકલસેલ દર્દીનાં જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતા વધારે તકલીફ પડતી હોય છે. કાર્યક્રમાં સિકલસેલ રોગનાં લક્ષણો, નિદાન, સારવાર અને દર્દીઓને રાખવાની તકેદારી અંગે સમજણ આપવામાં આવી. વધુમાં કેમ્પમાં સિકલસેલ ટ્રેઈટ છે, તેવા લોકોને લગ્ન પહેલાં ખાસ પરામર્શથી આ રોગ આગામી પેઢીમાં ના પ્રસરે તે માટે ખાસ માહિતીગાર કરવામાં આવ્યા. આ ઉપરાંત એનસીડી સ્ક્રિનીંગ, ટીબી સ્ક્રિનીંગ તેમજ આભા,પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવ્યા.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સિકલ સેલ એ આનુવંશિક રોગ છે. પ્રતિ વર્ષ આ દિવસની ઉજવણી કરી સૌને યાદ અપાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ -2047 સુધીમાં સિકલસેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે નાગરિક તરીકે આપણે સ્વયં જાગૃત થઈને સિકલસેલ જેવી બિમારી અંગે જાગૃતિ ફેલાવીએ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બિમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. જીલ્લામાં હાલમાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલસેલની વિનામૂલ્યે સારવાર થાય છે. જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલસેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેકટર નેહા કુમારીએ કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા તમામને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સિકલસેલ સ્કીનીંગ ટેસ્ટ તથા તમામ સગર્ભાનો સિકલસેલ સ્કીનીંગ ટેસ્ટ બિનચૂક કરવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલએ સિક્લ સેલ એનિમિયાને નાબૂદ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન -2047 અંતર્ગત ઉમદા કામગીરી કરનારને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક ચંદ્રિકાબેન ભાભોર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.