ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા રામ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી

ઝાલોદ, ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં 17-06-2024 બકરા ઈદના દિવસે લીમડી નગરમાં આવેલ ગોધરા રોડ પરના મહાદેવ મંદિરના પગથિયા પર કાપેલા બકરાનું માથું મળી આવેલ હતું. જેને લઈ લીમડી નગરના હિન્દુ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરી તેની નિષ્પક્ષ તપાસ ધરવા પોલીસ પાસે માંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમ્યાન કોઈ પશુ દ્વારા ખેંચીને આ માથું અહીં સુધી લાવવામાં આવેલ છે, તેવું તારણ કાઢવામાં આવેલ હતું અને છતાંય આ અંગે યોગ્ય તપાસ કરવાની બાંહેધરી પણ આપવામાં આવેલ હતી. પોલીસ તંત્ર દ્વારા જે પ્રાથમિક તારણ કાઢવામાં આવેલ હતું તેનાથી હિન્દુ સમાજને કોઈ પણ સંતોષ જણાતું ન હતું.

આ અંગે રામ સેવા સમિતિ દ્વારા ન્યાયિક તપાસ હાથ ધરાય તે માટેની માંગ કરવામાં આવેલ છે. સાથે સાથે માંગ કરવામાં આવેલ છે કે લીમડી નગરમાં જેટલી માસ મટનની દુકાનો છે તેનાથી કેટલી દુકાનો કાયદેસર ચાલે છે. જો દરેક દુકાનો કાયદેસર ચાલતી હોય તો તેના વેસ્ટ કચરાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવેલ છે. કતલખાના માંથી નીકળતો વેસ્ટ કચરો જ્યાં ત્યાં નાખવામાં આવતા નગરના લોકોનું આરોગ્ય જોખમાય છે, તેમજ હિન્દુ મંદિરોની આજુબાજુ જો આવો વેસ્ટ કચરો જોવાય તો હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે છે.

તંત્ર પાસે ત્રણ ચાર વર્ષથી ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા માંગ કરવામાં આવેલ છે, પરંતુ કોઈ તપાસ કે કાયદેસરની તપાસ હાથ ધરી હોય તેવું લાગતું ન હોવાનો સૂર રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલ છે. આ વિષયને તંત્ર ગંભીરતા પૂર્વક લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ એક લેખિત અરજી દ્વારા લીમડી પી.એસ.આઇ અને ડી.વાએસ.પી. પટેલ, ગ્રામપંચાયત લીમડી, મામલતદાર ઝાલોદ, ધારાસભ્ય ઝાલોદ, એસ.પી દાહોદ, કલેક્ટર દાહોદ પાસે માંગ કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર આપવા લીમડી નગરના હિન્દુ સંગઠનો તેમજ રામ સેવા સમિતિના લોકો મોટા પ્રમાણમાં હાજર રહેલ હતા.