અમદાવાદમાં સગા દીકરાએ જ માતાને પેટ્રોલ છાંટી સળગાવી

સાણંદમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સગા પુત્રએ જ પોતાની માતાને સળગાવી દીધી હોવાનો બનાવ બન્યો છે. પુત્ર અને કૌટુંબિક ભાઈએ ભેગાં મળીને માતાને જીવતા સળગાવી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી છે. જણાવી દઈએ કે,હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાણંદમાંથી આ ઘટના સામે આવી છે. જેમાં પુત્રએ જ પોતાની માતાને જીવતા સળગાવી દીધા છે. પુત્ર અને કૌટુંબિક ભાઈએ ભેગા મળીએ આ હિચકારી કૃત્યને અંજામ આપ્યો હતો. માતાની અન્ય પુરુષ સાથે મિત્રતાને કારણે આ અંજામ આપ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. પિતાના મૃત્યુ બાદ માતાની અન્ય પુરુષ સાથેની દોસ્તી સહન ન થતા પુત્રએ પેટ્રોલ છાંટી માતાને સળગાવી દીધી હતી.

હાલ તો, માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા જ પોલીસે પુત્ર અને કૌટુંબિક ભાઈ બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, પુત્ર અને માતા એકબીજાથી અલગ રહેતા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટમાં આવી જ ઘટના બની હતી. પુત્રીની સગાઇ તોડી નાખનાર માતાને યુવાને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. જામનગર રોડ પરના સ્લમ ક્વાર્ટરમાં રહેતા ભારતીબેન રમેશભાઈ પરમારને રાત્રે બગસરામાં બસ સ્ટેન્ડની પાછળ રહેતા આરોપી રવિ વજુભાઈ ઉર્ફે કેશુભાઈ સોલંકીએ પેટ્રોલ છાંટી સળગાવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા ભારતીબેનને સિવિલમાં ખસેડાયા હતા. તેણે પુત્રીની સગાઇ રવિ સાથે તોડી નાખતા ઉશ્કેરાઇ જઇ આ કૃત્ય કર્યાનું બહાર આવ્યું હતું.