પરમાણુ હથિયારના મામલે ભારત પાક.થી આગળ, ચીન પાસે શસ્ત્રોનો ભંડાર

ભારતે પરમાણુ હથિયારોના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. એક સ્વીડિશ થિંક-ટેંકના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં ભારત પાસે ૧૭૨ પરમાણુ હથિયારો છે જ્યારે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારોની સંખ્યા ૧૭૦ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ૨૦૨૩માં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે.

ચીને તેના પરમાણુ શસ્ત્રોનો ભંડાર પણ વધાર્યો છે. ચીને જાન્યુઆરી ૨૦૨૪માં તેના પરમાણુ શાગારની સંખ્યા વધારીને ૫૦૦ કરી દીધી છે. જાન્યુઆરી ૨૦૨૩માં ચીન પાસે ૪૧૦ પરમાણુ હથિયારો હતા. ચીને પહેલીવાર કેટલાક હથિયારોને હાઈ ઓપરેશનલ એલર્ટ મોડ પર પણ મૂક્યા છે.

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ભારત, ચીન અને પાકિસ્તાન સહિત નવ દેશો પાસે પરમાણુ હથિયાર છે. પરમાણુ હથિયારો પર પરમાણુ હથિયાર ધરાવતા દેશોની નિર્ભરતા વધી રહી છે. પરમાણુ હથિયાર ધરાવતા દેશો તેમના પરમાણુ શસ્ત્રાગારને આધુનિક બનાવી રહ્યા છે. અણુશક્તિ ધરાવતા દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન તેમજ અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ઉત્તર કોરિયા અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર રશિયા અને અમેરિકા પાસે તમામ પરમાણુ હથિયારોમાંથી ૯૦ ટકા છે. ઘણા દેશોએ ૨૦૨૩ માં નવી પરમાણુ-સક્ષમ શસ્ત્રો પ્રણાલી તૈનાત કરી છે.

બેલેસ્ટિક મિસાઈલો પર તૈનાત લગભગ ૨,૧૦૦ લડાયક પ્રણાલીઓને હાઈ ઓપરેશનલ એલર્ટ મોડમાં મૂકવામાં આવી હતી. તેમાંથી લગભગ તમામ રશિયા અથવા અમેરિકાના હતા. જાન્યુઆરી ૨૦૨૪ માં અંદાજિત ૧૨,૧૨૧ યુદ્ધ સાધનોના કુલ વૈશ્ર્વિક ભંડારમાંથી, લગભગ ૯,૫૮૫ સંભવિત ઉપયોગ માટે લશ્કરી ભંડારમાં હતા.

દેશના પરમાણુ શસ્ત્રો : રશિયા ૪૩૮૦,અમેરિકા ૩૭૦૮,ચાઇના ૫૦૦,ફ્રાન્સ ૨૯૦,બ્રિટન ૨૨૫,ભારત ૧૭૨,પાકિસ્તાન ૧૭૦, ઇઝરાયેલ ૯૦, ઉત્તર કોરિયા ૫૦