લોક્સભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી બંને બેઠકો પર જીત મેળવી હતી. રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે અને વાયનાડથી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પેટાચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ગાંધી પરિવારના વધુ એક સભ્ય દક્ષિણમાંથી રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
૧૯૭૮માં કર્ણાટકના ચિકમગલુરથી ઈન્દિરા ગાંધી પેટાચૂંટણી જીત્યા હતા. એ પછી ૧૯૮૦માં ઈન્દિરા આંધ્રની મેડક સીટ પરથી જીત્યા. ૧૯૯૯માં સોનિયા ગાંધીએ પણ પોતાની રાજકીય કારકિર્દી દક્ષિણથી શરૂઆત કરી હતી. સોનિયા ગાંધીએ ૧૯૯૯માં અમેઠી અને કર્ણાટકની બેલ્લારી એમ બંને બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. અને બંને બેઠકો પરથી વિજેતા થયા હતા. બાદમાં બેલ્લોરી બેઠક છોડી હતી.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા સહિત રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા તેજ થઈ છે કે આ બેઠક પરથી ભાજપ કોને ઉમેદવાર બનાવશે. એવી પણ ચર્ચા છે કે ભાજપના મહિલા ફાયરબ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાનીને વાયનાડ બેઠક પરથી ઉતારી શકે છે. સ્મૃતિ ઈરાનીને ભલે આ વખતે અમેઠીથી કોંગ્રેસના કેએલ શર્મા સામે લોક્સભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ૨૦૧૯માં તેમણે કોંગ્રેસના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. એવું જોતા ભાજપ સ્મૃતિ ઈરાનીને પ્રિયંકા ગાંધી સામે મેદાનમાં ઉતારી શકે છે.
ભાજપ ભૂતકાળમાં પણ ટિકિટ બાબતે આશ્ર્ચર્યજનક નિર્ણયો લઈને બધાને ચોંકાવે છે. ૧૯૯૯માં જ્યારે બેલ્લારીથી સોનિયા ગાંધીના રાજકારણમાં ડેબ્યૂના સમાચાર સામે આવ્યા ત્યારે ભાજપે આ બેઠક પર સુષ્મા સ્વરાજને ચૂંટણી લડાવી હતી. આ બેઠક પર સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીને ટક્કર આપી પરંતુ તે ૫૬ હજાર જેટલા મતે હારી ગયા હતા. સોનિયા ગાંધીને ૪૧૪૦૦૦ વોટ મળ્યા હતા.