- સમગ્ર ખેડા જીલ્લામાં અંદાજીત 5 લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.
- “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ અંતર્ગત જીલ્લાવાસીઓ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યવર્ધન માટે લોકોને સ્ફૂર્તિથી જોડાવા જીલ્લા કલેક્ટરની અપીલ.
- જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
નડિયાદ, પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્ર્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂન ને “આતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તદાનુસાર વર્ષ-2015 થી પ્રતિ વર્ષ 21 જૂનના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્ર્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ અંતર્ગત 21મી જૂન 2024 ના રોજ 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024”ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જીલ્લાઓની સાથે સાથે જ ખેડા જીલ્લામાં પણ જાન્યુઆરી 2024થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા અને પ્રવૃત્તિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવવાની અને જન જન સુધી પહોંચાડવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જે હેતુ જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જીલ્લા કલેક્ટરએ ખેડા જીલ્લામાં થનાર આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહત્તમ લોકો જોડાય તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા અપીલ કરી હતી.
જીલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે યોગ દ્વારા સ્વંયની સાચી ઓળખ મેળવવાનો આ ઉત્તમ અવસર છે અને સ્વંય-નિર્માણથી સમાજ-નિર્માણની પ્રક્રિયામાં જીલ્લાના તમામ નાગરીકોને જનભાગીદારી નોંધાવા અપીલ કરી હતી.
10મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024”ની ઉજવણી હેતુ 21 જૂનના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જીલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ સવારે 05:30 થી 07:45 કલાક સુધી યોજાશે.
આ જ સમયે ખેડા જીલ્લાના તમામ તાલુકાઓ તથા નગરપાલીકાઓના મુખ્ય સ્થળો પર યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં નડિયાદ તાલુકા અને નગરપાલીકા સંયુક્ત કાર્યક્રમ સંતરામ મંદિર પરિસર, નડીઆદ તથા સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ ખાતે, ખેડા તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ એચ.એન્ડ ડી. પારેખ હાઈસ્કુલ, ખેડા ખાતે, મહેમદાવાદ તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ સોનાવાલા હાઈસ્કુલ, મહેમદાવાદ ખાતે, મહુધા તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ નગીના વાડી, ડાકોર રોડ, મહુધા ખાતે, કઠલાલ તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ એમ. આર. શેઠ હાઈસ્કુલ, કઠલાલ ખાતે, કપડવંજ તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ શેઠ એમ. પી. હાઈસ્કૂલ, કપડવંજ ખાતે, ઠાસરા તાલુકા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ જે.એમ.દેસાઈ હાઇસ્કુલ, ઠાસરા ખાતે, માતર તાલુકાકક્ષા કાર્યક્રમ એન.સી. પરીખ હાઈસ્કૂલ, માતર ખાતે, વસો તાલુકાકક્ષા કાર્યક્રમ એ.જે. હાઈસ્કૂલ, વસો ખાતે, ગળતેશ્ર્વર તાલુકાકક્ષા કાર્યક્રમ ગળતેશ્ર્વર મહાદેવ મંદિર તાબે સરનાલ ગળતેશ્ર્વર ખાતે, કણજરી નગરપાલિકા કક્ષા કાર્યક્રમ ઈન્દિરા નગરી પ્રાથમિક શાળા, કણજરી ખાતે, ચકલાસી નગરપાલિકા કક્ષા કાર્યક્રમ ભારતી વિનયમંદિર હાઈસ્કુલ, ચકલાસી ખાતે, ડાકોર નગરપાલિકા કક્ષા કાર્યક્રમ સંસ્થાન હાઈસ્કૂલ, ડાકોર ખાતે યોજવામાં આવનાર છે. આ દરેક કાર્યક્રમ સ્થળો પર કઊઉ સ્ક્રીન દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી, ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ પ્રસંગે પોતાના વક્તવ્ય દ્વારા જોમ અને જુસ્સો પૂરો પાડવાના છે.
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડીઆદ ખાતેના જીલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં 2500 થી વધુ લોકો ભાગ લેશે. તથા તાલુકા અને નગરપાલિકાના સંયુક્ત કાર્યક્રમમા 1000 થી વધુ લોકો જ્યારે તાલુકા અને નગરપાલિકાના વિભક્ત કાર્યક્રમોમાં 500 થી વધારે લોકો ભાગ લેશે. ગયા વર્ષે ખેડા જીલ્લાના તમામ કાર્યક્રમો થકી કુલ 3,80,000, થી વધુ લોકો એ યોગમાં ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે સમગ્ર જીલ્લા માથી જીલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા ગુજરાત સરકારના તમામ વિભાગો તથા જીલ્લાની તમામ સામાજીક સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો અને લોક ભાગીદારી સાથે લગભગ 5,00,000 થી વધુ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024″ માં સહભાગી થાય તેવું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં આ દિવસે જીલ્લામાં કુલ 3000 યોગ ઈન્સટ્રક્ટર દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને 21 જેટલી ધાર્મિક-સામાજીક એનજીઓ સંસ્થાઓ પણ યોગદિવસ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે.
વધુમાં, કાર્યક્રમના સ્થળે પાણી અને સ્વચ્છ બેઠક વ્યવસ્થા પુરી પાડવામાં આવશે અને યોગ સાધકોને કોઈ તકલીફ ન પડે એ હેતુથી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્દ્ધ કરાવવામાં આવશે.
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે ખેડા જીલ્લામાં તારીખ 15 થી 20 જૂન સુધી જુદા જુદા વિભાગ દ્વારા યોગનું મહત્વ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 1 જાન્યુઆરી 2024 ના રોજ સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં એક સાથે 50 હજાર લોકો દ્વારા સામૂહિક સૂર્યનમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો– જેમાં ખેડા જીલ્લા ખાતે પણ 547 સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.વધુમાં જાન્યુઆરીથી લઈ જૂન સુધી વિવિધ યોગ શિબિરો દ્વારા ખેડા જીલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ વિદ્યાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.
આ પ્રેસ કોન્ફરન્સમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, જીલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જીલ્લા રમત ગમત અધિકારી મનસુખ તાવેથિયા સહિત જીલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.