રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે, વાયનાડની પેટાચુંટણીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે

  • સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૯ સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી છે. લોક્સભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો પર જીત મેળવી છે. આવી સ્થિતિમાં હવે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પોતાની પાસે રાખી છે અને વાયનાડ છોડી દીધી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે પ્રિયંકા ગાંધી પહેલીવાર પેટાચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.રાહુલ ગાંધી ૨૦૧૯માં પહેલીવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા.

ત્યારબાદ અમેઠીમાં રાહુલ ગાંધીને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધી વાયનાડ સીટથી સાંસદ રહ્યા હતા. હવે ૨૦૨૪ની ચૂંટણીમાં રાહુલ ફરી એકવાર બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં એક સીટ વાયનાડ અને બીજી રાયબરેલી હતી. આ વખતે રાહુલ ગાંધી બંને બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. રાહુલને વાયનાડ કરતા રાયબરેલીમાં મોટી જીત મળી છે.અગાઉ રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા. ૨૦૨૪ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધી ચૂંટણીની રાજનીતિથી દૂર રહ્યા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

પ્રિયંકા ગાંધી હવે વાયનાડ સીટથી પેટાચૂંટણી લડીને રાજકારણમાં ડેબ્યૂ કરશે. જો પ્રિયંકા ગાંધી જીતે તો તેઓ પહેલીવાર સંસદમાં પહોંચશે અને આવું પહેલીવાર બનશે કે નહેરુ ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક સાથે સંસદમાં જોવા મળશે. સોનિયા ગાંઘી રાજ્યસભા સાંસદ છે. જો કે હવે વંશવાદના રાજકારણ મુદ્દે વધુ ટીકાનો પણ પાર્ટીએ સામનો કરવો પડી શકે છે. એક રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીના વાયનાડ સીટ છોડવા પાછળનું એક કારણ એ છે કે પાર્ટી ઉત્તર પ્રદેશમાં લડત ચાલુ રાખવા માંગે છે.

રાહુલે વાયનાડના લોકોને આપેલા સંદેશમાં કહ્યું કે હવે તમારી પાસે બે સાંસદ હશે, હું સતત આવતો રહીશ, વાયનાડના લોકોએ મને સમર્થન આપ્યું, ખુબ મુશ્કેલ સમયમાં લડવાની ઉર્જા આપી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું વાયનાડના લોકોને રાહુલ ગાંધીની કમી મહેસૂસ થવા દઈશ નહીં. હું આકરી મહેનત કરીશ. વાયનાડમાં તમામને ખુશ રાખવાની પૂરી કોશિશ કરીશ અને એક સારા પ્રતિનિધી બનીશ.

હાલમાં જ પૂરી થયેલી લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં છ સીટ જીતીને કઈક હદે સારું કહી શકાય તેવું પ્રદર્શન કર્યું છે. કારણ કે ૨૦૧૯માં રાયબરેલી છોડીને પાર્ટીએ તમામ સીટ ગુમાવી હતી. જેમાં અમેઠી પણ સામેલ હતી. જ્યાંથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. પાર્ટી ૨૦૧૯માં યુપીમાં પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી હતી. રાજ્યમાં તેનો વોટશેર ફક્ત ૬.૩૬ ટકા જોવા મળ્યો હતો.

લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં સપા સાથે મળીને ચૂંટણી લડી હતી. પાર્ટીને સકારાત્મક પરિણામો મળવાની સાથે જ રાજ્યમાં માહોલ ભાજપ વિરુદ્ધ જોવા મળ્યો. ભાજપને ફક્ત ૩૩ સીટ મળી. જ્યારે ૨૦૧૯માં ૬૨ સીટો જીતી હતી. લોક્સભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા યુપી રાજ્યથી મળેલા સકારાત્મક પરિણામો સાથે કોંગ્રેસ પાર્ટી એ સંદેશો પણ આપવા માંગશે કે રાહુલ ગાંધી તે સીટ અને રાજ્યને છોડી રહ્યા નથી જેણે તેમને અને પાર્ટીને ચૂંટણીમાં સૌથી સારું પરિણામ આપ્યું.

રાહુલે રાયબરેલી સીટ પર રહેવાનો નિર્ણય કરીને પાર્ટીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ યુપી અને હિન્દી પટ્ટામાં પોતાની લડત ચાલુ રાખશે. આ સાથે જ યુપીથી મળેલા સકારાત્મક પરિણામોથી ભાજપનો મુકાબલો કરશે. રાહુલે વારંવાર દાવો કર્યો છે કે વાયનાડથી તેમનો ભાવનાત્મક જોડાણ છે. આ મતવિસ્તાર રાહુલ માટે ત્યારે મદદગાર સાબિત થયું જ્યારે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી અને યુપીમાં લગભગ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ હતી. તે સમયે કોંગ્રેસ નેતાએ પોતાનો કોટુંબિક ગઢ અમેઠીને પણ ગુમાવ્યો હતો.

જ્યાંથી રાહુલે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે કેરળના કેટલાક કોંગ્રેસ નેતાઓએ પણ રાજ્યમાં સંસદીય ચૂંટણીમાં પાર્ટીના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટની લગભગ જીત માટે રાહુલના રાજ્યથી ચૂંટણી લડવાના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો હતો. પ્રિયંકા ગાંધીના વાયનાડ સીટથી ઉતાર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ ટીકાઓ પણ સામનો કરવો પડી શકે. કદાચ આ જ કારણ છે કે લોક્સભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડવામાં ખચકાતા હતા. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં એ સોચ હતી કે પ્રિયંકા ચૂંટણી લડે કે ન લડે, ભાજપ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતો રહેશે.