રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દેશના રાજકીય માહોલ પર જે પ્રવચન આપ્યું, તે દરેક વ્યક્તિ, જે લોક્તંત્ર પ્રત્યે સચેત છે અને ઇચ્છે છે કે આપણા દેશમાં લોક્તંત્રનાં મૂળિયાં મજબૂત થાય, તે તેમની વાત સાથે સહમત થશે. આ ચૂંટણીમાં વાસ્તવમાં એવી ચીજો થઈ છે, જે બેહદ ચિંતાજનક છે. પ્રચાર દરમ્યાન જૂઠ્ઠાણાને આગળ કરીને સત્ય રૂપે રજૂ કરવાની કોશિશ થઈ. દાખલા તરીકે રાહુલ ગાંધી પોતાની તમામ સભાઓમાં બંધારણની નકલ દેખાડીને કહેતા હતા કે બંધારણ ખતરામાં છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, જે બહુ અનુભવી નેતા છે, તેઓ પણ કહી રહ્યા હતા કે જો નરેન્દ્ર મોદી જીતી ગયા, જો ભાજપ જીતી ગઈ, જો એનડીએ સત્તામાં આવી ગઈ, તો ન બંધારણ બચશે કે ના લોક્તંત્ર. એ પણ કહેવાઈ રહ્યું હતું કે મોદીની જીત થયા બાદ આ ભારતની આખરી ચૂંટણી હશે. જો દુનિયામાં ભારતની સૌથી મોટી મૂડી હોય તો તે આપણું બંધારણ અને લોક્તંત્ર જ છે. તેના વિશે લોકોના મનમાં ગંભીર શંકા પેદા કરીને શો સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી હતી, તેની પાછળ દાનત શી હતી, આ કેટલાક મોટા સવાલ છે. એ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત બે વાતો હાંસલ કરી રહ્યું છે – રાજકીય સ્થિરતા અને આર્થિક ઉન્નતિ. તો શું લોક્તંત્ર અને બંધારણ પર ખતરા આધારિત પ્રચાર અભિયાન આ ઉપલબ્ધિઓને બાધિત કરવાની કોશિશ ન માનવી જોઇએ? એ પણ જોવામાં આવ્યું છેકે વિપક્ષના પ્રચારને દેશ-વિદેશમાં બેઠેલા લોકો યુટ્યૂબ સહિત અન્ય સોશ્યલ મીડિયા મંચો પરથી મીઠું-મરચું ભભરાવી આગળ વધારી રહ્યા હતા.
માની શકાય કે મોહન ભાગવતની એક સંકેત આવી પ્રવૃત્તિઓ તરફ છે. બીજી તરફ લોક્સભા ચૂંટણી દરમ્યાન સત્તારૂઢ પક્ષ તરફથી પ્રતિક્રિયામાં જે વાતો કહેવામાં આવી, એવી વાતો કહેવાથી દૂર રહેવું જોઇતું હતું. આ પણ સંઘ પ્રમુખના સંદેશમાં જ વણાયેલું છે. એક પ્રબુદ્ઘ વ્યક્તિ અને સ્ટેટ્સમેનના નાતે ભાગવતજીએ જે કંઈ કહ્યું છે, આશા રાખીએ કે એના પર રાજકીય પક્ષોના નેતાઓ વિચાર કરશે તથા સમાજ પણ યોગ્ય યાન આપશે. સંઘ પ્રમુખની વાતોમાં રાજકારણના ઘટતા સ્તરને લઈને ચિંતા પણ સમાયેલી છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં આ પહેલી ચૂંટણી છે જેમાં વિમર્શનું સ્તર બહુ નીચે ચાલ્યું ગયું હતું. એવું થવાનું કારણ એ છેકે વિપક્ષ આ ચૂંટણીને હાઇજેક કરવા માગતો હતો. એ પણ એક કારણ રહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ડાબેરીઓ, અથવા કહો કે અર્બન નક્સલોના પૂરા પ્રભાવમાં છે. કોંગ્રેસના નેતૃત્વની કમાન રાહુલ ગાંધીના હાથમાં છે અને ખડગે ચહેરો છે. મુદ્દો અને એજન્ડા રાહુલ ગાંધી નક્કી કરે છે, જે તેમની આસપાસના લોકો નિર્દેશિત કરે છે.
ભારતમાં લોક્તંત્રનો વિકાસ થવો જોઇએ. સંસદીય લોક્તંત્રનો આપણો અનુભવ સારો રહ્યો છે. તેથી સંસદીય રાજનીતિ જેટલી સ્વચ્છ રહે, ચૂંટણી જેટલી પારદર્શી રહે એટલી કોશિશ કરવી જોઇએ. આ સંદર્ભે પહેલાંની કેટલીક ઘટનાઓની નોંધ લેવી જરૂરી છે, જેનાથી એ સમજવામાં મદદ મળશે કે આજે એવો નકારાત્મક માહોલ કેવી રીતે પેદા થઈ ગયો છે. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ લોક્સભાની મયાવધિ ચૂંટણી કરાવી હતી. એના પહેલાં સામાન્ય રીતે લોક્સભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે થતી હતી. એ ચૂંટણી બાદ સ્થિતિ બદલાઈ ગઈ અને મોટાભાગની વિધાનસભા ચૂંટણીઓ અને લોક્સભા માટે મતદાન અલગ-અલગ થવા લાગ્યું. આ કારણે ચૂંટણીનો ખર્ચ બેહિસાબ વધી ગયો. તેના માટે સત્તા પક્ષ અને વિપક્ષ બંને દોષી છે. જ્યારે વડાપ્રધાન મોદી ‘એક દેશ, એક ચૂંટણી’ની વાત કરે છે, તો તેઓ એક રીતે જયપ્રકાશ નારાયણની ઇચ્છાને જ આગળ વધારે છે, જેઓ ઇચ્છતા હતા કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થાય.
૧૯૭૧ પહેલાંની ચૂંટણીને જોવામાં આવે તો ખબર પડે કે લોક્સભા ચૂંટણીના ઉમેદવારોનો ખર્ચ અપેક્ષાકૃત ઓછો થતો હતો, કારણ કેતેઓ પોતાની પાર્ટીના વિધાનસભા ઉમેદવારોના ખભે ચૂંટણી લડતા હતા. હવે તેમણે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવી પડી રહી છે, તો ખર્ચો કરોડોમાં થાય છે. એક લેખકે તેમના પુસ્તક માટે ૨૦ લોકો સાથે વાતચીત કરી હતી, જે ૧૯૫૧ અને ૧૯૫૭ની ચૂંટણીમાં ઉમેદવાર હતા.