
પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં ગઈકાલે રાત્રે ભાજપ કાર્યાલયમાંથી બોમ્બ જેવી વસ્તુ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, તપાસ બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે માહિતી આપી હતી કે શંકાસ્પદ વસ્તુ બોમ્બ નથી. બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ કોલકાતા પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ અહીં પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ષડયંત્રના ભાગરૂપે બોમ્બ જેવી વસ્તુને દોરડામાં લપેટીને રસ્તાની વચ્ચે મૂકી દેવામાં આવી હતી અને તેને બોમ્બ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.
પોલીસનું કહેવું છે કે આ અફવા પાછળનું કારણ પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસાની તપાસ માટે રચાયેલી ટીમને ડરાવવાનું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપે લોક્સભા ચૂંટણી દરમિયાન બનેલી હિંસક ઘટનાઓની તપાસ માટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબ, બ્રિજલાલ અને કવિતા પાટીદારનો સમાવેશ થાય છે.
રવિશંકર પ્રસાદે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, આખા દેશમાં ચૂંટણી યોજાઈ હતી, પરંતુ હિંસાના સમાચાર પશ્ર્ચિમ બંગાળમાંથી જ આવ્યા હતા. તેમણે કહ્યું કે, આખા દેશમાં ચૂંટણી થાય છે, પરંતુ ચૂંટણી પછી માત્ર બંગાળમાં જ હિંસા કેમ થાય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીં હિંસા થઈ હતી. આજે ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, શું કારણ છે કે અમારા કાર્યકરો ડરે છે, લોકો ડરે છે, આ બહુ ગંભીર મુદ્દો છે. જો મમતા બેનર્જી લોકશાહીમાં વિશ્ર્વાસ રાખે છે તો તેમણે જવાબ આપવો પડશે.