સીબીઆઈએ પૂર્વ સાંસદ કેડી સિંહ સામે બીજો કેસ દાખલ કર્યો, ૩૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ

  • રોકાણકારોને પ્લોટ અને મકાનો આપવાની લોભામણી યોજનાઓ સાથે લલચાવીને મહેનતના નાણાંની ઉચાપત કરી હતી

સીબીઆઈએ તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ કેડી સિંહ સહિત આઠ લોકો સામે છેતરપિંડીનો કેસ નોંયો છે. યુપી સરકારની ભલામણ પર રાજધાનીમાં સ્થિત સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આ કેસની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ કેડી સિંહ વિરૂદ્ધ દેશભરમાં રોકાણકારોના પૈસાની ઉચાપત કરવા બદલ કેસ નોંધી લીધો છે.

સીબીઆઈએ ભૂતપૂર્વ સાંસદ સાથે જોડાયેલી કંપનીઓ અલ્કેમિસ્ટ ઈન્ફ્રા રિયલ્ટી લિમિટેડ અને અલ્કેમિસ્ટ ટાઉનશિપ લિમિટેડના કેસની તપાસ શરૂ કરી છે, જેમણે રોકાણકારોને પ્લોટ અને મકાનો આપવાની લોભામણી યોજનાઓ સાથે લલચાવીને મહેનતના નાણાંની ઉચાપત કરી હતી. સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં કેડી સિંહની સાથે બ્રિજમોહન મહાજન, સત્યેન્દ્ર કુમાર સિંહ, સુચિત્રા ખેમકર, નંદ કિશોર સિંહ, જયશ્રી પ્રકાશ સિંહ, છત્રપાલ સિંહ અને નરેન્દ્ર સિંહનું નામ આપવામાં આવ્યું છે.

હકીક્તમાં, કેડી સિંહ અને તેના સહયોગીઓ પર આરોપ છે કે તેમણે ૨૦૦૯માં ભદોહીમાં કંપનીની ઓફિસ ખોલ્યા બાદ આકર્ષક સ્કીમ દ્વારા રોકાણકારો પાસેથી લગભગ ૨ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. બાદમાં રોકાણકારોને પ્લોટ આપવામાં આવ્યા ન હતા. રોકાણકારોએ તેમના પૈસા પાછા માંગ્યા પછી કંપનીના ડિરેક્ટરોએ ૨૦૧૮ માં ઓફિસ બંધ કરી દીધી અને ભાગી ગયા.

તમને જણાવી દઈએ કે સીબીઆઈએ બે વર્ષમાં કેડી સિંહ અને તેમની કંપનીઓ વિરુદ્ધ બીજો કેસ નોંધ્યો છે. અગાઉ, રાજ્ય સરકારની ભલામણ પર, સીબીઆઈએ ૨૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ આઝમગઢમાં નોંધાયેલા કેસની તપાસ પણ સંભાળી હતી. લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આ કેસ રોકાણકાર વિજય કુમાર ચૌહાણે નોંધાવ્યો હતો. ત્યારે સીબીઆઈએ કેડી સિંહના ૧૨ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ સીબીઆઈએ કેડી સિંહની પણ ધરપકડ કરી હતી.

ઈડીએ વર્ષ ૨૦૧૬માં કેડી સિંહ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો, ત્યારબાદ માર્ચ મહિનામાં તેમની લગભગ ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. તેમાં વિમાન, હિમાચલ પ્રદેશના શિમલામાં ૨૫૦ વીઘા જમીન અને સિરમોરમાં ૭૮ વીઘા જમીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હરિયાણાના પંચકુલામાં અલ્કેમિસ્ટ રિયાલિટીના ૧૮ ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ED ની તપાસમાં ખુલાસો થયો હતો કે કેડી સિંહે કંપનીઓ દ્વારા ઘણા રાજ્યોના રોકાણકારો પાસેથી આશરે ૧૯૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.