આંધ્રપ્રદેશમાં ટીડીપી નેતા પર હુમલો:સાધુના વેશમાં યુવક ઘરે પહોંચ્યો હતો, ભિક્ષા લેતી વખતે ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા

કાકીનાડા,

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં તેલુગુ દેશમ્ પાર્ટીના નેતા પોલનાતી શેષગિરિ રાવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સાધુના વેશમાં તેના ઘરે ભિક્ષા માગવા આવેલા યુવકે કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટના નેતાના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ટીડીપી નેતા તેમના ઘરના પ્રવેશદ્વાર પર ઊભા છે અને સાધુને ભિક્ષા આપી રહ્યા છે. પછી યુવક તેની શાલની અંદરથી ધારદાર હથિયાર કાઢે છે અને રાવ પર બે વાર હુમલો કરે છે. આનાથી રાવ ઘાયલ થાય છે અને જમીન પર પડી જાય છે. બીજી તરફ યુવક હુમલો કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. એટલામાં જ એક મહિલા ઘરની બહાર આવી અને બૂમો પાડવા લાગી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના કાકીનાડા જિલ્લાના તુની શહેરમાં બની હતી, જ્યારે હુમલાખોર સાધુના વેશમાં ગુરુવારે સવારે ૬ વાગ્યે ભીખ માગવાના બહાને રાવના ઘરે આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં રાવને માથા, ગરદન અને હાથ પર ઈજાઓ થઈ હતી. હાલ આરોપીની શોધખોળ ચાલી રહી છે.ટીડીપીએ રાવ પર હુમલા માટે માર્ગ અને મકાનમંત્રી દાદીસેટ્ટી રાજાના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા હતા ટીડીપીના આંધ્રપ્રદેશ એકમના પ્રમુખ કે. અત્ચન્નાઈડુએ રાવ પર હુમલાની નિંદા કરી છે. તેમનું કહેવું છે કે મંત્રીઓ અને ધારાસભ્યો મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના પગલે ચાલી રહ્યા છે.

ટીડીપી નેતાએ કહ્યું હતું કે રાવ પર વાયએસઆરસીપીના અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ હુમલો કરવામાં આવ્યો છે. અત્ચન્નાઈડુએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓ અને હત્યાના કાવતરાખોરો નહીં પકડાય ત્યાં સુધી તેમની પાર્ટી શાંતિથી બેસશે નહીં.