ચૂંટણીમાં સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સફાયાની આગાહી કરાઇ

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી પૂર્વે વધુ એક સરવેમાં સત્તારૂઢ વડાપ્રધાન ૠષિ સુનકના કારમા પરાજયની ભવિષ્યવાણી કરાઇ છે. આ સરવેના તારણોમાં જણાવાયું છે કે ચોથી જુલાઇએ થનારી ચૂંટણીમાં સુનકના નેૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીનો સફાયો થઇ જશે. તારણોમાં સુનકના પક્ષ માટે ગંભીર ચિત્ર રજૂ કરાયું છે.

કીર સ્ટાર્મરની લેબર પાર્ટીને ૪૬% સમર્થન મળ્યું છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી માટે સમર્થન ૪% ઘટીને માત્ર ૨૧% થઇ ગયું છે. આ સરવે માર્કેટ રિસર્ચ કંપની સાવંતાએ સન્ડે ટેલીગ્રાફ માટે ૧૨થી ૧૪ જૂન દરમિયાન કરાવ્યો હતો. અડધાથી વધુ ચૂંટણીપ્રચાર થઇ ચૂક્યો છે ત્યારે સરવેના તારણો સામે આવ્યા છે. લગભગ એક અઠવાડિયા બાદ કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી બંનેના ચૂંટણીઢંઢેરા પણ રજૂ થશે. સાવંતાના પોલિટિકલ રિસર્ચ ડાયરેક્ટર ક્રિસ હોપકિન્સે કહ્યું કે અમારા સરવેથી જાણવા મળે છે કે આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું બહુ ખરાબ રીતે ધોવાણ થશે. અન્ય એક સરવેમાં અનુમાન કરાયું છે કે કુલ ૬૫૦ સભ્યનું સંખ્યાબળ ધરાવતા હાઉસ ઑફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર ૭૨ બેઠકોએ સમેટાઇ શકે છે, જે તેના લગભગ ૨૦૦ વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો હશે.

બેસ્ટ ફોર બ્રિટન’ સરવેમાં કહેવાયું હતું કે ૠષિ સુનક પણ તેમની નોર્ધન યોર્કશાયર બેઠક ગુમાવી શકે છે. સુનકની કેબિનેટના ૨૮ પ્રધાનો ચૂંટણી લડી શકે છે અને તેમાંથી માત્ર ૧૩ પ્રધાનો જ ફરી ચૂંટાય તેવી શક્યતા છે. સરવે માટે ૧૫,૦૨૯ લોકોના અભિપ્રાય લેવાયા હતા, જેના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં વિપક્ષી લેબર પાર્ટીને ૪૯ ટકા વોટ શેર સાથે કન્ઝર્વેટિવ્સની તુલનાએ ૧૯ ટકાની સરસાઇથી ટોચ પર રખાઇ છે.