રેલ દ્વારા કાશ્મીર ખીણ સુધી પહોંચવાનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. રવિવારે સંગલદાન-રિયાસી ટ્રેક પર એન્જિનને ટેસ્ટિંગ માટે ચલાવવામાં આવ્યું હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી હતી.
જમ્મુના રિયાસી જિલ્લાના સાવલાકોટથી શરૂ થયેલું એન્જિન બપોરે ૩ વાગ્યે રિયાસી રેલવે સ્ટેશન પહોંચ્યું હતું. એન્જિનના આવવાની જાણ થતાં જ લોકો સ્ટેશન પર પહોંચી ગયા હતા. એન્જિન બક્કલ ટનલને પાર કરીને સાયરન સાથે રિયાસી પહોંચ્યું કે તરત જ સ્ટેશન ભારત માતા કી જયથી ગૂંજી ઉઠ્યું. આ ટ્રેક પર વિશ્ર્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ પણ બનેલો છે.
કમિશનર ઓફ રેલ્વે સેટી તરફથી લીલી ઝંડી મળતાં આ પુલ પરથી ટ્રેન દ્વારા પસાર થવાનું સપનું પૂરું થશે. ૪૬ કિમી લાંબા સંગલદાન-રિયાસી ટ્રેકનું નિરીક્ષણ કરવા માટે ૨૭-૨૮ જૂનના રોજ સીઆરએસ ડીસી દેશવાલની બે દિવસીય મુલાકાત પ્રસ્તાવિત છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સંગલદાનથી રિયાસી વચ્ચેની પ્રથમ ટ્રેનને ૩૦ જૂને લેગ ઓફ કરવામાં આવે તેવી શક્યતા છે.