સ્વહિતની જગ્યાએ વિશ્વ હિત પ્રાધાન્યતા જરૂરી

સ્વહિતની જગ્યાએ વિશ્વ હિત પ્રાધાન્યતા જરૂરી

ઈઝી શોર્ટકટ્સને બદલે સાચા રસ્તા પર ચાલવા માટે કેટલા કરેજની જરૃર પડતી હશે! એન્ટી હિરોઝને આવી નૈતિક્તાની કોઈ દિવાલ નડતી નથી. આ જ તો ફર્ક હોય છે. જે બહુજન હિતાય, બહુજન સુખાય માટે પોતાના પર્સનલ સુખોની બલી ચડાવતા ન અચકાય એ હિરો. જે સમુહની ચિંતા કરે એ નાયક. જે પોતાના સ્વાર્થ માટે બીજાના સુખની બલી ચડાવતા જરાય ન ખચકાય એ વિલન. આમ તો ભગવદ્ ગીતામાં ત્રિગુણાત્મક પ્રકૃતિની વાત કરવામાં આવેલ જ છે. સવાલ એ છે કે સરવાળે કોનું જોર વધારે છે. આપણા અંતરમાં જ વિલન અને હિરો છુપાયેલા હોય છે. જેને વધારે પોષણ મળશે એનું કદ વધશે. તાકાત વિચારોમાં હોય છે. કયા વિચારને સબળ બનાવવો એ માત્ર આપણા પોતાના હાથમાં છે.

શક્તિશાળી હોવા માત્રથી હિરો નથી બનાતુ. હિરો બનવા માટે ખુદ સળગીને બીજાને પ્રકાશ આપવો પડે. સાથે મનમાં ઉઠતા લોભ સાથે લડવું પડે. પોતીકાઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે. ક્યારેક અપનોને ગુમાવવા ય પડે. એવરેસ્ટને સર કરી શકાય, ત્યાં ઘર નથી વસાવી શકાતું. પોતાની ભુલનો દંડ બીજા ભરે એના અફસોસનો ભાર ભારે વજનદાર હોય છે. મહાભારતના શાંતિપર્વમાં યુદ્ધ જીત્યાં પછીય શાંતિની જગ્યાએ વિષાદે સ્થાન લીધુ હતું.

નિયતી આગળ બધા લાચાર છે એવું તો દરેકને સમજાતું જ હોય છે. છતાં પરાર્ક્મ કરવાનો, પરીશ્રમના પરસેવાથી સફળ થવાનો મૂળભૂત અધિકાર દરેક પાસે હોય જ છે. સવાલ એ છે કે આ આશા અને ધીરજ કોણ રાખી શકે છે! જીવન જીવવા માટે પાયાની જરૃરીયાત છે, આશા અને ધીરજ. જ્યાં સુધી મનગમતી મંજિલ નથી મળતી ત્યાં સુધી આ બંને હથિયારોને ઉપયોગમાં લઈને પ્રયત્નોના પહાડો ખોદે એ જ લક્ષ્ય સુધી પહોંચી શકે. બ્રહ્માંડની એક અનંત શક્તિ એવી છે કે જે સુપરહિરોઝને સફળતાના સંજોગો ઉભા કરી આપવામાં મદદગાર બને. બુરાઈને હરાવવા બધી જ અચ્છાઈની શક્તિઓ સરળતાથી પોતાનો પર્સનલ ઈગો છોડીને એક થઈ શકે છે, અંત હી આરંભ હૈ. આજની વાર્તા કાલની કલ્પનામાં અમર વાસ્તવિક પાત્રો બની શકે છે. હજારો વર્ષો પછી ય આપણે સુપરહિરોઝના ગુણગાન ગાઈએ જ છીએ ને!

રામ, હનુમાન, કૃષ્ણ, અર્જુન આપણા આદર્શ છે જ! આપણે પૂંજીએ છીએ. એમની સારપ, એમના વચનોને સાંભળીને આજેય અભિભૂત થઈ જવાય. એમના સુપરપાવરને યાદ કરતી વખતે પરહિતો માટે આપેલા બલિદાનની કિંમત આપણે ભુલી જઈએ છીએ. વિલન ગમે એટલો પાવરફુલ હોય, જીત તો હિરોઝની જ થાય. આ આશાને હંમેશા જીવતી રાખવાની છે. આજે કદાચ હિરોઝ હારતા દેખાશે પણ અંતમાં તો જીતવાના જ છે. બુરાઈ પર અચ્છાઈની જ જીત થાય એવો ભરોસો આજના સમયમાં સૌથી જરૃરી બની ગયો છે. આપણા વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત કે બાઈબલ, કુરાનમાં આ જ ભરોસો બંધાવવાનો પ્રયાસ થયો છે. બસ અચ્છાઈમાં જ્યાં સુધી ભરોસો કાયમ રહેશે ત્યાં સુધી આ વિશ્વને બુરાઈનો કોઈ ખતરો નથી