મોરવા(હ)ના ખાબડા ગામમાં પિતાએ પોતાના બે પુત્રો સાથે કુવામાં ઝંપલાવી જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પતિ-પત્નિ વચ્ચે ચાલી રહેલા આંતરિક ગૃહ કંકાસમાં આ પગલુ ભર્યુ હોવાનુ ચર્ચાએ જોર પકડયુ છે.
મોરવા(હ)ના ગણેશ ફળિયામાં રહેતા 32 વર્ષિય જગદીશભાઈ અશોકભાઈ પટેલને સુખી દાંપત્ય જીવન દરમિયાન કુદરતે બે પુત્રોની ભેટ આપી હતી. પુત્ર પ્રદિપ અને જયેશ સાથે સુખી જીવન વ્યતિત કરી રહેલા પરિવારમાં અચાનક જ વળાંક આવ્યો હતો. લોકચર્ચા મુજબ પતિ અને પત્નિ વચ્ચે ગૃહ કંકાસમાં તેઓની પત્નિ પિયરમાં જતી રહી હતી. દરમિયાન અગમ્ય કારણોસર જગદીશભાઈને મનમાં લાગી આવતા તેઓના 12 વર્ષિય પુત્ર પ્રદિપ અને 4 વર્ષિય જયેશને સાથે લઈ નજીકમાં આવેલા કુવામાં પડતુ મુકયુ હતુ. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક કુવામાંથી પિતા-પુત્રોને બહાર કાઢવા દોડધામ કરી હતી. તબકકાવાર કુવામાંથી બહાર કાઢવાની કામગીરી દરમિયાન બંને પુત્રો અને પિતાના કરૂણ મોત થયા હતા. કુવામાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ગોધરા પાલિકા ફાયર બ્રિગેડ ટીમની મદદ લીધી હતી. બનાવની જાણ થતાં મોરવા(હ)પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી.